રંગોળી


રંગોળીની કળા પરંપરાગત હોય છે. જે માતા સરસ મનમોહક રંગોળી આલેખે છે તે તેની પુત્રી શીખે છે. આ સંસ્કાર વારસો પેઢી દર પેઢીને મળતો રહે છે. ચિત્રકળાનું જ્ઞાન ન હોય તો તેવી વ્યક્તિ પણ ઉત્તમ પ્રકારની રંગોળી આલેખી શકે છે. વ્યવસ્થિત અને કલાત્મક રંગોળીનાં આલેખન માટે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે.
સૌ પ્રથમ ઘર આંગણામાં કે નિશ્વિત જગ્યામાં ગેરુ છાણ કે મટોડીથી ચોકકસ માપનું લીંપણ કરી લેવું ત્યારબાદ કેવા પ્રકારની કેવી આકૃતિની રંગોળી બનાવવાની તે નક્કી કરી લેવું જોઈએ. ચોકકસ માપનાં ચોખઠાં અથવા ડ્રોંઈંગપેપર પર ચોખઠાં બનાવી તેનાં ચારે ખૂણે કાણાં પાડી જમીન ઉપર રાખી તેનાં પર સફેદ ચિરોડીનો છંટકાવ કરી ચોરસનાં ચારે ટપકાંની છાપ ઉપસી આવશે. આકૃતિ દોરાઈ ગયા બાદ રંગોની સૂઝ પ્રમાણે રંગોની પસંદગી કરી ચોકસાઈપૂર્વક કામગરી હાથ ધરવી જોઈએ. રંગ પૂરતી વખતે ક્યાંય ઢગલી કે ક્યાંય ખાડા ન થાય, તેની સપાટી જળવાઈ રહે તેની ખાસ કાળજી રાખવી જોઈએ. આકારો, વળાંકો, ડાબી-જમણી બાજુનાં આકારોની ઊંચાઈ અને પહોળાઈ ખાચા ખૂચીવાળા કે તૂટક ન દોરતાં સુરેખ અને આકર્ષક રીતે સુશોભિત આકારો ધ્યાનથી, કાળજીપૂર્વક, સફાઈદાર, ગતિશીલ દોરવાં તેમજ વચ્ચે એકસરખી જગ્યા રાખવી જોઈએ. એકી વખતે એક સરખો મરોડ આપવો જોઈએ. ભૂમિતિનો વિષય રેખાનાં માપ અને સંભાળપૂર્વક દોરવાથી આકારો અને માપનો સ્પષ્ટ, સાચો ને યોગ્ય ખ્યાલ આવી શકે છે.

ભાતચિત્રમાં માપ પ્રમાણે મધ્યમાં સ્વચ્છ ચિત્ર દોરવું. રેખાઓ સુંદર અને વિષયને અનુરૂપ નૈસર્ગિક કે અલંકારિક આકારો દોરવામાં રંગોની પસંદગી અને સમતુલા જળવવી જોઈએ.

પદાર્થચિત્રમાં ચિત્રનું બરીકાઈથી નિરીક્ષણ કરી આકારોને એકબીજા સાથે સરખાવી લંબાઈ, પહોળાઈ નક્કી કરી, પદાર્થોનાં સમૂહને ધ્યાનમાં લઈ શરૂઆતમાં થોડાં આછા રેખાંકનોથી વસ્તુનાં માપ આકાર અને સ્થાન નક્કી કરવા. રેખાંકન ડાબેથી જમણીબાજુ ઉપરથી નીચે તરફ દોરવા જોઈએ.

ફ્રી હેન્ડ ડ્રોંઈગમાં ચિત્ર નાનું કે મોટું ન દોરાય પરંતુ ચોકઠાંનાં પ્રમાણમાં દોરાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ચિત્ર સરખે ભાગે વહેંચાયેલું હોય તો પ્રથમ મધ્યરેખાથી શરૂ કરી ડાબી બાજુથી દોરવું. ચિત્રની મુખ્ય રેખાઓ આઉટ-લાઈન દોરાઈ ગયા પછી બધાં આકારો, વળાંકોનું કાળજીપૂર્વક નિરીક્ષણ કરવું જોઈએ. ડાબી-જમણી બાજુનાં આકારોની ઊચાઈ અને પહોળાઈનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

પ્રકૃતિચિત્રમાં પહેલાં ડાળીની આઉટ લાઈન દોરી અન્ય નસો તથા ફુલની વિગતો બારીકાઈથી કાળજીપૂર્વક દોરવા, રંગપૂરતી વખતે છાયા-પ્રકાશને ધ્યાનમાં લઈ રંગ પૂરવા, જળરંગો વડે ચિત્ર પૂર્ણ કરીને  બાજુની જગ્યામાં સુરેખ અને આકર્ષક રીતે સુશોભિત આકારો બનાવવા. ઝીણી ઝીણી ડીઝાઈનો માટે રંગોનું સંયોજન શ્રમસાધ્ય છે. રંગોળી ભભકાદાર બનાવવા ઉઠાવદાર રંગો વધુ પ્રમાણમાં વાપરવા જોઈએ.
 સ્મૃતિચિત્રોમાં વસ્તુ, વ્યક્તિ કે વિષયનું ઊંડુ અવલોકન જ નહીં પરંતુ તલસ્પર્શી અભ્યાસ પણ ખૂબજ જરૂરી બને છે.
ભૌમિતિક આકૃતિઓ ચોક્કસ માપ લઈ બનાવવી, તેમાં રંગોની પસંદગી યોગ્ય કરવાથી, રંગોળી કલાત્મકરીતે દીપી ઊઠશે. રંગોળીમાં જો કાળો રંગ પૂરવાનો આવતો હોય તો તે સૌ પ્રથમ પહેલાં ચમચા વડે પૂરી લેવો જોઈએ, ત્યારબાદ બીજા રંગો પૂરવા જોઈએ. જેથી કાળાં રંગની છાંટની અસર બીજા રંગો પર ન પડી શકે. જે રંગો ચીકણાં હોય તો તેને મિશ્રણથી કરકરો કરવાથી ચપટી વડે રંગ સારી રીતે પૂરી શકાય તેવો બની શકે છે.

પાણીની ઉપર રંગોળી આલેખન માટે સ્વચ્છ વાસણમાં પાણી ભરી પાણીને સ્થિર બનાવી, તેનાં પર કોલસાની ભૂકી, શંખજીરૂં કે લાકડાંનાં છોલનો છંટકાવ કરી સપાટી બાંધી, શંખજીરાનાં રંગથી આકૃતિ આલેખી શકાય છે.

પાણીની અંદર રંગોળીનાં આલેખન માટે સ્વચ્છ વાસણની સપાટી પર પહેલાં ઘી લગાડી તેનાં પર રંગોળી બનાવી તેને સહેજ ગરમ કરીતે વાસણ ઠંડુ પડી જાય એટલે તેમાં ધીમેથી પાણી રેડી પાણી સ્થિર થયા બાદ નિરીક્ષણ કરવું જોઈએ.

વધુ આવતા અંકે………

Advertisements

rangoli1.jpgરંગોલીનો

ઉદભવ અને વિકાસ : પ્રચીન સમયથી રંગોળી અશુભ નિવારક મનાય હોવાથી ભારતીય સંસ્કૃતીમાં પ્રાચીન સભ્યતાની શોભનકલામાં યજ્ઞભૂમિમાં ગાર લીપી ચોકડી પાડી તેનાં પર રંગવલ્લરી ચિતરીને સ્ત્રીઓ યજ્ઞમંડપ શણગારતી.ધરતીના પૂજન અર્ચન અને કૃતજ્ઞતા માટે રંગોળીનું ધર્મિક, સામાજિક અને કલાક્ષત્રે મહત્વનું સ્થાન ગણાય છે. જે સમાજજીવનમાં પ્રત્યેક સ્તરે એ વ્યાપેલ છે. સૂર્યોદય થયાં પહેલાં પ્રભાતનાં પ્રથમ પહોરે નારીવૃંદ ઘરનાં આંગણામાં કે ઉંબરામાં, તુલશીકયારે માતાજીનાં સ્થાનકે, યજ્ઞવેદી પાસે, મહેમાનોની જમવાની પંક્તિ બેસે ત્યાં પરંપરાગત રીતે ધરતીમાંથી પ્રાપ્ત થતાં રંગો જેવા કે સફેદ ખડી, ચુનો, કંકુ, ગુલાલ, હળદર, ચોખાં, વિવિધરંગનાં ધાન્ય અને કઠોળ, વિવિધરંગી પૂષ્પો વગેરે લઈ રંગોળીની રંગલીલાને સાકાર કરવામાં આવતી. આ આકૃતિઓને આંગળીઓથી જ આલેખન કરવામાં આવતું. આ રંગોળીમાં સરળ અને સહજ આકારો રચી રોજિદાં કાર્યોનો પ્રારંભ કરવાની પ્રથા હતી. ધાર્મિક ઉત્સવો, પર્વો અને માંગલિક પ્રસંગોની સિધ્ધિ રંગોળીની સુંદરતા પર આધારિત હતી. તે સમયે રંગોળીમાં સ્વસ્તિક, સૂર્ય, ચંદ્ર, શંખ, મત્સ્ય, પદમ વગેરે દેવોનાં પ્રતિકોને સ્થાન આપવામાં આવતું. એથીજ સાધૂ, સંન્યાસીઓ દેવીપ્રતિકો અને શુભકામનાઓથી અંકિત રંગોળીવાળા આંગણેથી ભિક્ષા લેવાનું પસંદ  કરતા હતા.
           રંગોળી આલેખનનો પ્રારંભ ઈ.સ. પૂર્વે ૨૦૦૦ એટલે કે ૪૦૦૦ વર્ષ પહેલાં થયો  હોવાની એક માન્યતા છે. રંગોળી વિષેનાં વિષેનાં ઉલ્લેખો હિન્દુઓનાં પૌરાણિકશાસ્ત્રોમાં, ક્રિયાકાંડની વિધિમાં, વાસ્તુશાસ્ત્ર, મહાપંથનાં પાટોમાં, પાટની આકૃતિમાં, શાકતપંથની તંત્ર-યંત્રની આકૃતિઓમાં, યજ્ઞયાગાદિમાં જોવા મળે છે. એ ઉપરાંત કામસૂત્રમાં વાત્સ્યાયને ‘આલેખ્યમ’ તરીકે; ઈ.સ. ત્રીજા શતકમાં ધાન્યની રંગોળીની રચનાનો, સાતમાં શતકમાં વારાંગચરિતમાં પંચરગી ચૂર્ણધાન્ય ને પુષ્પોની રંગોળીનો, અગિયારમાં શતકમાં વાદીભસિંહના ‘ગધચિંતામણી’માં ભોજન સમારંભમાં ‘મંગલચૂર્ણરેખા’નો, હેમચંદ્રાચાર્યશ્રીએ ‘દેશીનામમાલા’માં ચોખાનાં આટાની રંગોળીનો, બારમાં શતકમાં માનસોલ્લાસમાં ‘ધુલિચિત્ર’નો, શ્રીકુમારના ‘શિલ્પરન’માં ‘ક્ષણિકચિત્ર’નો તેમજ ભાસ્કર ભટ્ટનાં શિશુપાલવધ કાવ્યમાં વિવિધ પ્રકારની રંગોળી રચનાનો ઉલ્લેખ જોવા મળે છે.
              પ્રાચિનકાળમાં રંગોળીની અનેકવિધિ-આકૃતિઓમાં એક યા બીજી રીતે શુભસાંકેતો જ આલેખવામાં આવતા. આથી ધર્મ અને શુભકામનાનાં પ્રતિકોની આકૃતિવાળી રંગોળી પ્રાચીન આધ પ્રકારોમાં ગણાય છે. આંગળીઓની ચપટીમાં રંગચૂર્ણ લઈ બીજો કોઈ જ આધાર લીધા વિના ગાય, નાગ ને મંડલોની, શોભનોની રંગાકૃતિની રંગોળી પ્રથમ પ્રકારની ગણાય છે. સમયનાં વહેણ સાથે રંગોળીમાં પરિવર્તન થવા લાગ્યું. ઈસ્વીસનની ૩જી સદીમાં ઘઉં, ચોખા અને મગ, અડદ જેવાં વિવિધ ધાન્ય અને કઠોળનો રંગોળીમાં ઉપયોગ થવા લાગ્યો, ત્યારબાદ વિવિધ પંચરંગી ચૂર્ણધાન્ય સાથે રંગબેરંગી વિવિધ પુષ્પોની શોભનવાળી રંગોળી અસ્તિત્વમાં આવી. એ પછી માગલિક પ્રસંગો અને ભોજન સંમારંભમાં રંગોળીએ શોભામાં અભિવૃધ્ધિ કરવા લાગી. રાજપુતયુગ, સુલતાનયુગ અને મોગલયુગનાં સાંસ્કૃતિક પ્રવાહે રંગોળીની શોભનકલામાં ફુલ, પાન, વૃક્ષ, વેલિઓ, કમળફુલ, મોર, પોપટ, માતાજી, દેવિઓ, દેવોનાં પગલાં, અશ્વ, હાથી વગેરેના રેખાંકનોને સ્થાન અપાવ્યું. રાજસ્થાન, દિલ્હી અને આગ્રામાં રંગોળીની આકૃતિમાં ગાલીચાનું આકર્ષણ વધ્યું. આ રીતે રંગોળીએ સ્થાનભેદે કેટલીક લાક્ષણિકતાઓ પણ અપનાવી. રંગોળીમાં યુગપરિવર્તન સાથે માનવસૂઝ અને સધનોનો વિકાસ થતાં ટપકાંને આધારે ભૌમિતિક આકૃતિઓની રંગોળી શોભનનો વિકાસ થયો. તેમા ભાતચિત્ર (DESIGN), પદાર્થચિત્ર (OBJECT DRAWING), મુક્ત-હસ્તચિત્ર (FREE HAND DRAWING), પ્રકૃતિચિત્ર (NATURE DRAWING). નો સમાવેશ થયો. તેમજ પાણીની ઉપર રંગોળી અને પાણીની અંદર રંગોળી રચવામાં સફળતા મળી. આ રીતે આજે તો રંગોળી ભૌમિતિક ભાતોની સાથે પ્રતિકો અને મનોહર ચિત્રોની રંગપૂરણીની ભૂમિચિત્રોની કલાકૃતિઓ બની રહી છે.
             સૌરાષ્ટ્ર, ગુજરાતની લોકનારીઓ હૈયાં ઉકલતથી જે  સૂઝે તેવી લોકકલાની આકૃતિઓ દોરે છે. લૌકિક પરંપરાગત ઘરનાં આંગણામાં ઓસરીમાં ગાર કરી તેની ઉપર ધોળી ખડી અને રાતા ગેરૂથી તેમાં સરળ અને સહજ આકારો, પ્રકારો અને આલેખનો કરે છે. આ આકારોમાં પ્રકૃતિનાં રંગો પૂરે છે. માંગલિક પ્રસંગોએ લક્ષ્મીજીનાં પગલાં, સ્વસ્તિક, કળશ, હાથી, મોર કે પોપટ જેવાં પ્રતિકો રંગોળીથી પ્રયોજે છે. રંગોળીનું વર્તુળ ગ્રહોનું ભ્રમણમાર્ગોનું પ્રતિક ગણાય છે. ચોરસ આકારની રંગોળી યજ્ઞકુંડનું પ્રતિક માનવામં આવે છે. ચાર સરખાં ખુણાવાળી રંગોળી ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું પ્રતિનિધિત્વ કરતી મનાય છે. રંગોળી આલેખતી વખતે રેખાનું તૂટવું અશુભ મનાય છે. રંગોળીને અશુભ નજર ન લાગી જાય તે માટે તેમાં ક્યાંય પણ ખુલ્લી જગ્યા રાખવામાં આવતી નથી. એવી પ્રબળ લોકમાન્યતા છે.
વધુ આવતાં અંકે…………

ગુજરાતી સાહિત્ય એકેડ્મી દ્વારા પ્રાપ્ત થયેલ ગુજરાતી ભાષાની શ્રેષ્ઠ સાહિત્ય કૃતિ નું પ્રથમ પારિતોષિક અને રોકડ ઇનામ વિજેતા ગ્રંથ ..” સૌરાષ્ટ્રનો સાંસ્કૃત્તિક વૈભવ“ ( ડો. કલાભાઈ પિંગળશીભાઈ ગઢવી સ્મૃતિગ્રંથનું, લક્ષ્મણભાઈ પિંગળશીભાઈ ગઢવી રચીત પુસ્તક ) માંથી……….

વ્યાખ્યા : રંગોળી શબ્દ રંગ + ઓળીમાંથી બન્યો છે. ઓળી દેશ્ય શબ્દ છે. ઓળી એટલે હાર, પંક્તિ, રેખા, લીટી. રંગોળી અર્થાત્ લીટી, દોરી, રંગપૂરી, જમીન પર ઉપસાવવામાં આવતી આકૃતી કે ભાત. જે રંગાવલિકા, રંગઉલિઆ, રંગાવલી, રંગાવલ્લી, વૃલિચિત્ર, ક્ષણિકચિત્ર, મંગલચૂર્ણરેખા, ધૂલિચિત્ર અને બંગાળમાં “અલ્પના”, રાજસ્થાનમાં “માંડાણા”, મધ્યપ્રદેશમાં “ચૌકપુરના”, આંધ્રમાં “મૂગ્ગૂ”, તામીલનાડુમાં “કોળમ”, મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટકમાં “રંગોળી”, કમાઉપ્રદેશમાં “ઐપણ” ને કેરળમાં “પૂવડિલ”, નામે ઓળખાય છે. વૈષ્ણવમંદિરોમાં “સાંઝીં” અને પારસીઓમાં “છાપા” તરીકે રંગોળીના સ્વરૂપો પ્રચલિત છે. રંગોળીએ નારીવૃંદની કલા છે.
        શ્રી હરિવલ્લભ ભાયાણી રંગોળી વિશે  લખે છે કે : “સંસ્કૃત રંગાવલીનો શબ્દાર્થ છે. ‘રંગ વડે પાડેલી ઓળ’ એટલે જ તો રંગોળી પૂરવી એનો જેમ એક અર્થ ‘રંગ વડે ભાત અને આકૃતિ પાડવી’ (ઉત્સવને કે પર્વને પ્રસંગે ચોકમાં) એવો છે, તેમ બીજો અર્થ છે. ‘અતિથિને પંક્તિબંધ માટે ભોંય પર રંગની ઓળો, આસનનાં ખાનાં વગેરે શોભાર્થે પાડવા.’ આઠમી-નવમી શતાબ્દીના સહિત્યમાં મોતીની રંગોળીનાં ઉલ્લેખ છે. જેમ આંગણુ રંગોળીથી શણગારાય છે તેમ પહેલાં તે ચોકથી પણ શણગારાતું. આ ચોક, ‘આંગણા કે શેરીની ખુલ્લી ચોખંડી જગ્યા’ એવા અર્થના શબ્દથી જુદો શબ્દ છે. આ ચોક એટલે તો ‘સફેદ ચૂર્ણથી ભોંય પર કરેલું ચિતરામણ’ જૂના સાહિત્યમાં ચોક પણ મોતીએ પૂરવાનો ઉલ્લેખ છે.
      આજે પણ તામિલનાડુ અને કેરલના લોકો દરરોજ આંગણામાં ચોખાનાં લોટથી ધોળી ભાત કાઢે છે જેને ‘કોલન’ કહે છે. ચોકનું મૂળ ચતુષ્ક છે. તેનો આરંભ ચોખંડી ભાતોથી થયો હોય, બે જૂનાં ધોળમાંની નીચેની પંક્તિઓ જુઓ:

              તળીયાં તે તોરણ બાધિયાં, મોતીના પૂર્યાં ચોક જો,
              કુંકુમ   છાટયાં   છાટણાં,  ભેરૈયા  ભેર્ય  વગાડજો.

              છડો  દેવરાવો  કુંકુમ ગારે, ચોક  પુરાવો  મોતી-હારે,
              ચયદશ પ્રગટાવોને દીવા, મેં જાણ્યું જે મારે ઘેર વિવા.
                                (શબ્દકથા: ગુજરાતી સાહિત્ય પરિષદ)”

-વધુ આવતા અંકે…….

ગુજરાતી સાહિત્ય એકેડ્મી દ્વારા પ્રાપ્ત થયેલ ગુજરાતી ભાષાની શ્રેષ્ઠ સાહિત્ય કૃતિ નું પ્રથમ પારિતોષિક અને રોકડ ઇનામ વિજેતા ગ્રંથ ..” સૌરાષ્ટ્રનો સાંસ્કૃત્તિક વૈભવ”  ( ડો. કલાભાઈ પિંગળશીભાઈ ગઢવી સ્મૃતિગ્રંથનું, લક્ષ્મણભાઈ પિંગળશીભાઈ ગઢવી રચીત પુસ્તક ) માંથી………….                                   

 ચિત્રકળા અને રંગોળી વિશે થોડી માહિતી

 ચિત્રકલા અંગે વિષ્ણુધર્મોત્તપુરાણમાં જણાવ્યાં પ્રમાણે બધી કળાઓમાં ચિત્રકલા ઉત્તમ છે. ચિત્રકલાની સાધનાથી ધર્મ, અર્થ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ઘરમાં ચિત્રલેખની સમાન બીજું કોઈ મંગલદાયક નથી. પ્રચીનશાસ્ત્રોની માન્યતા પ્રમાણે ચિત્ર વિનાનું ઘર સ્મશાનવત્ છે. ઘરમાં ચિત્રાંકન મંગલદાયી મનાયું હોવાથી રાજા, મહારાજા આવાસની ભીંત ઉપર ચિત્રો દોરવતાં. વિશેષમાં ચિત્રનાં રસાનુભાવ માટે લખે છે કે : “ચિત્રકળાનાં નિષ્ણાંતો સૂક્ષ્મ, સજીવ અને વેગવાળા રેખાંકન જુવે છે, વિચક્ષણ લોકો ચિત્રકારની હળવી પીંછીને ઝીણવટથી તપાસે છે. સ્ત્રીઓ ઘરેણાં વગેરે ઉપરની સજાવટ જ ચિત્રોમાં જોવાનું ખોળે છે. અને સામાન્ય દ્રષ્ટિ તો રંગની ભભક જ વખાણે છે.” રંગોની સભાનતા પ્રત્યેક વ્યક્તિમાં તીવ્ર હોય છે. જીવનમાં પ્રત્યેક અવસરમાં, દરેક વ્યવહારમાં અને દરેક રચનામાં રંગોનો પ્રયોગ વ્યાપક બની જાય છે, પરંતુ આંખોનાં સ્નાયુઓને મોકળાશ, પ્રસન્નતા, ચમક કે આનંદ આપવા આજનાં વિશ્વમાં રંગો ક્યાં છે ? એ એક પ્રશ્ન છે.

નૃવંશશાસ્ત્રીઓનાં મત મુજબ આદિ માનવનો પ્રથમ વ્યવહાર ઈંગિત અને ચિત્રો દ્વારા થતો હતો.

સૌરાષ્ટ્ર, ગુજરાતમાં ચિત્રકળાનો આરંભ ગ્રંથચિત્રો અને ભિતિચિત્રોમાંથી થયો છે. ગ્રંથચિત્રોનો ઉદભવ યજ્ઞયાગાદિની ધાર્મિક ક્રિયામાંથી થતી રંગોળીમાંથી થયો હોવાનું મનાય છે

ક્રમશ