ગુજરાતી સાહિત્ય એકેડ્મી દ્વારા પ્રાપ્ત થયેલ ગુજરાતી ભાષાની શ્રેષ્ઠ સાહિત્ય કૃતિ નું પ્રથમ પારિતોષિક અને રોકડ ઇનામ વિજેતા ગ્રંથ ..” સૌરાષ્ટ્રનો સાંસ્કૃત્તિક વૈભવ“ ( ડો. કલાભાઈ પિંગળશીભાઈ ગઢવી સ્મૃતિગ્રંથનું, લક્ષ્મણભાઈ પિંગળશીભાઈ ગઢવી રચીત પુસ્તક ) માંથી……….

તાલની જાતી : તાલની જાતી પાંચ છે.

૧) તિસ્ત્ર જાતી : તિસ્ત્ર જાતીનાં તાલમાં દરેક ખંડમાં ત્રણ ત્રણ માત્રાઓ હોય છે. જેમ કે દાદરો     માત્રા – ૬.
૨) ચતુસ્ત્ર જાતી : ચતુસ્ત્ર જાતીનાં તાલના દરેક ખંડમાં ચાર ચાર માત્રા હોય છે.
૩) મિશ્ર જાતી : મિશ્ર જાતીનાં તાલોમાં ૭ માત્રા હોય છે. તાલનાં પહેલાં ખંડમાં ત્રણ, બીજા ખંડમાં ચાર માત્રા હોય છે. જેમ કે દીપચંદી માત્રા – ૧૪.
૪) ખંડ જાતી : ખંડ જાતીનાં તાલો ૫ માત્રાની હોય છે. તેમનાં પ્રથમ ખંડમાં ૨ માત્રા હોય છે. જેમકે ઝપતાલ.
૫) સંકીર્ણજાતી : સંકીર્ણજાતીનાં તાલોમાં ૯ માત્રા હોય છે. જેમાં પ્રથમ ખંડ પાંચ માત્રા અથવા ૯ માત્રાનો ખંડ આવે છે.

ઠેકા: તબલાં પર વગાડવામાં આવતાં ધા, ધીં, તા વગેરે તાલનાં બોલને ઠેકા કહે છે.

દુગન : લયને કાયમ રાખીને તેનાથી બમણી લયમાં ગાંવુ કે વાગાડવાની ક્રિયાને દુગન કહે છે.

ગાનનાં દોષ : બ્રહ્મર્ષિ નારદમુનિએ ગાનમાં આ પ્રમાણેનાં દોષ જણાવ્યાં છે :

૧) કંપિત અથવા ગાતી વખતે સ્વર હલતો રહે.
૨) ભય અથવા કોઈની ભીતીથી ગાવુ.
૩) ઉદ્ ઘૃષ્ટ રીતિથી ગાવું.
૪) અવ્યક્ત અથવા વર્ણોચ્ચાર યોગ્ય રીતે ન કરવો.
૫) નાકમાંથી અવાજ કાઢવો.
૬) નાકનાં સ્વરથી ગાવું.
૭) ઘણાં ઊંચા સ્વરેથી ગાવું.
૮) સ્વરને પોતાની જગ્યા નીચે મૂકી ગાવું.
૯) મૂળ સ્વરને મૂકીને બીજા સ્વરો લગાડીને ગાવું.
૧૦) અરસિક ગાવું.
૧૧) શ્રમિત થઈને ગાવું.
૧૨) વિના કારણ સ્વરને ધક્કો દઈને ગાવું.
૧૩) વ્યાકુળ રીતિથી ગાવું.
૧૪) બેતાલ અથવા તાલ વિનાનું ગાવું.

— ઉપરનાં દોષો સિવાય બીજા કેટલાંક દોષો નીચે પ્રમાણે છે.

૧) સંદ્દષ્ટ : રસ વિનાનાં શબ્દોનો ઉચ્ચાર ગાતી વખતે કરવો તેને સંદ્દષ્ટ દોષ કહેવામાં આવે છે.
૨) સૂતકારી : જેનાં ગાયનમાં વારંવાર સત્કાર શબ્દો નીકળે છે, તેને સૂતકારી દોષ કહેવામાં આવે છે.
૩) કરાલી : ગાતી વખતે જેનો ચહેરો ભયાનક દેખાય છે, તેને કરાલી દોષ કહે છે.
૪) કરમ : ગાતી વખતે માથૂં ઝૂકાવીને ખંભાપર કપાળ મૂકીને અથવા ગાલ કે કાન પર હાથ મૂકીને ગાવું એને કરમ દોષ કહેવામાં આવે છે.
૫) ઉદ્દઘટ : ગાતી વખતે બકરાનાં જેવો સ્વર કાઢવો તેને ઉદ્દઘટ દોષ કહેવાય છે.
૬) ભોંળક : ગાતી વખતે ચહેરાની નસો તરી આવે , તેને ભોંળક દોષ કહેવાય છે.
૭) વક્રી : ગાતી વખતે ગળા ને વાંકુ કરવું તેને વક્રી દોષ કહેવાય છે.
૮) પ્રસારી : ગાત્રોને ફુલાવીને ગાવું તેને પ્રસારી દોષ કહેવાય છે.
૯) નિમીલક : ગાતી વખતે આંખો મીંચી દેવી એને નિમીલક દોષ કહેવાય છે.
૧૦) અનવસ્થિત : મૂલાધાર અનાહત અને બ્રહ્મરંધ – એ ત્રણ સ્થાનોનાં બોધ વિનાનું ગાવું એને અનવસ્થિત દોષ કહેવાય છે.
૧૧) નિશ્રક : રાગમાં જે સ્વરો લગાડવા જોઈએ તે ન લગાડાતાં બીજા સ્વરો લગાડવા તેને નિશ્રક દોષ કહેવાય છે.
૧૨) અવધાન :સ્થાયી વગેરે અલંકારને ક્રમથી મૂક્યાં સિવાય ગાવું તેને અવધાન દોષ કહેવાય છે.
૧૩) અંધપરંપરા : સ્વરશાસ્ત્રનું સંપૂર્ણ જ્ઞાન મેળવ્યાં સિવાય બીજા માણસનાં ગળાની નકલ કરીને ગાવું તેને અંધપરંપરા દોષ કહેવાય છે.


વધુ આવતા અંકે……….

Advertisements