રંગોળીની કળા પરંપરાગત હોય છે. જે માતા સરસ મનમોહક રંગોળી આલેખે છે તે તેની પુત્રી શીખે છે. આ સંસ્કાર વારસો પેઢી દર પેઢીને મળતો રહે છે. ચિત્રકળાનું જ્ઞાન ન હોય તો તેવી વ્યક્તિ પણ ઉત્તમ પ્રકારની રંગોળી આલેખી શકે છે. વ્યવસ્થિત અને કલાત્મક રંગોળીનાં આલેખન માટે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે.
સૌ પ્રથમ ઘર આંગણામાં કે નિશ્વિત જગ્યામાં ગેરુ છાણ કે મટોડીથી ચોકકસ માપનું લીંપણ કરી લેવું ત્યારબાદ કેવા પ્રકારની કેવી આકૃતિની રંગોળી બનાવવાની તે નક્કી કરી લેવું જોઈએ. ચોકકસ માપનાં ચોખઠાં અથવા ડ્રોંઈંગપેપર પર ચોખઠાં બનાવી તેનાં ચારે ખૂણે કાણાં પાડી જમીન ઉપર રાખી તેનાં પર સફેદ ચિરોડીનો છંટકાવ કરી ચોરસનાં ચારે ટપકાંની છાપ ઉપસી આવશે. આકૃતિ દોરાઈ ગયા બાદ રંગોની સૂઝ પ્રમાણે રંગોની પસંદગી કરી ચોકસાઈપૂર્વક કામગરી હાથ ધરવી જોઈએ. રંગ પૂરતી વખતે ક્યાંય ઢગલી કે ક્યાંય ખાડા ન થાય, તેની સપાટી જળવાઈ રહે તેની ખાસ કાળજી રાખવી જોઈએ. આકારો, વળાંકો, ડાબી-જમણી બાજુનાં આકારોની ઊંચાઈ અને પહોળાઈ ખાચા ખૂચીવાળા કે તૂટક ન દોરતાં સુરેખ અને આકર્ષક રીતે સુશોભિત આકારો ધ્યાનથી, કાળજીપૂર્વક, સફાઈદાર, ગતિશીલ દોરવાં તેમજ વચ્ચે એકસરખી જગ્યા રાખવી જોઈએ. એકી વખતે એક સરખો મરોડ આપવો જોઈએ. ભૂમિતિનો વિષય રેખાનાં માપ અને સંભાળપૂર્વક દોરવાથી આકારો અને માપનો સ્પષ્ટ, સાચો ને યોગ્ય ખ્યાલ આવી શકે છે.

ભાતચિત્રમાં માપ પ્રમાણે મધ્યમાં સ્વચ્છ ચિત્ર દોરવું. રેખાઓ સુંદર અને વિષયને અનુરૂપ નૈસર્ગિક કે અલંકારિક આકારો દોરવામાં રંગોની પસંદગી અને સમતુલા જળવવી જોઈએ.

પદાર્થચિત્રમાં ચિત્રનું બરીકાઈથી નિરીક્ષણ કરી આકારોને એકબીજા સાથે સરખાવી લંબાઈ, પહોળાઈ નક્કી કરી, પદાર્થોનાં સમૂહને ધ્યાનમાં લઈ શરૂઆતમાં થોડાં આછા રેખાંકનોથી વસ્તુનાં માપ આકાર અને સ્થાન નક્કી કરવા. રેખાંકન ડાબેથી જમણીબાજુ ઉપરથી નીચે તરફ દોરવા જોઈએ.

ફ્રી હેન્ડ ડ્રોંઈગમાં ચિત્ર નાનું કે મોટું ન દોરાય પરંતુ ચોકઠાંનાં પ્રમાણમાં દોરાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ચિત્ર સરખે ભાગે વહેંચાયેલું હોય તો પ્રથમ મધ્યરેખાથી શરૂ કરી ડાબી બાજુથી દોરવું. ચિત્રની મુખ્ય રેખાઓ આઉટ-લાઈન દોરાઈ ગયા પછી બધાં આકારો, વળાંકોનું કાળજીપૂર્વક નિરીક્ષણ કરવું જોઈએ. ડાબી-જમણી બાજુનાં આકારોની ઊચાઈ અને પહોળાઈનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

પ્રકૃતિચિત્રમાં પહેલાં ડાળીની આઉટ લાઈન દોરી અન્ય નસો તથા ફુલની વિગતો બારીકાઈથી કાળજીપૂર્વક દોરવા, રંગપૂરતી વખતે છાયા-પ્રકાશને ધ્યાનમાં લઈ રંગ પૂરવા, જળરંગો વડે ચિત્ર પૂર્ણ કરીને  બાજુની જગ્યામાં સુરેખ અને આકર્ષક રીતે સુશોભિત આકારો બનાવવા. ઝીણી ઝીણી ડીઝાઈનો માટે રંગોનું સંયોજન શ્રમસાધ્ય છે. રંગોળી ભભકાદાર બનાવવા ઉઠાવદાર રંગો વધુ પ્રમાણમાં વાપરવા જોઈએ.
 સ્મૃતિચિત્રોમાં વસ્તુ, વ્યક્તિ કે વિષયનું ઊંડુ અવલોકન જ નહીં પરંતુ તલસ્પર્શી અભ્યાસ પણ ખૂબજ જરૂરી બને છે.
ભૌમિતિક આકૃતિઓ ચોક્કસ માપ લઈ બનાવવી, તેમાં રંગોની પસંદગી યોગ્ય કરવાથી, રંગોળી કલાત્મકરીતે દીપી ઊઠશે. રંગોળીમાં જો કાળો રંગ પૂરવાનો આવતો હોય તો તે સૌ પ્રથમ પહેલાં ચમચા વડે પૂરી લેવો જોઈએ, ત્યારબાદ બીજા રંગો પૂરવા જોઈએ. જેથી કાળાં રંગની છાંટની અસર બીજા રંગો પર ન પડી શકે. જે રંગો ચીકણાં હોય તો તેને મિશ્રણથી કરકરો કરવાથી ચપટી વડે રંગ સારી રીતે પૂરી શકાય તેવો બની શકે છે.

પાણીની ઉપર રંગોળી આલેખન માટે સ્વચ્છ વાસણમાં પાણી ભરી પાણીને સ્થિર બનાવી, તેનાં પર કોલસાની ભૂકી, શંખજીરૂં કે લાકડાંનાં છોલનો છંટકાવ કરી સપાટી બાંધી, શંખજીરાનાં રંગથી આકૃતિ આલેખી શકાય છે.

પાણીની અંદર રંગોળીનાં આલેખન માટે સ્વચ્છ વાસણની સપાટી પર પહેલાં ઘી લગાડી તેનાં પર રંગોળી બનાવી તેને સહેજ ગરમ કરીતે વાસણ ઠંડુ પડી જાય એટલે તેમાં ધીમેથી પાણી રેડી પાણી સ્થિર થયા બાદ નિરીક્ષણ કરવું જોઈએ.

વધુ આવતા અંકે………

Advertisements