rangoli1.jpgરંગોલીનો

ઉદભવ અને વિકાસ : પ્રચીન સમયથી રંગોળી અશુભ નિવારક મનાય હોવાથી ભારતીય સંસ્કૃતીમાં પ્રાચીન સભ્યતાની શોભનકલામાં યજ્ઞભૂમિમાં ગાર લીપી ચોકડી પાડી તેનાં પર રંગવલ્લરી ચિતરીને સ્ત્રીઓ યજ્ઞમંડપ શણગારતી.ધરતીના પૂજન અર્ચન અને કૃતજ્ઞતા માટે રંગોળીનું ધર્મિક, સામાજિક અને કલાક્ષત્રે મહત્વનું સ્થાન ગણાય છે. જે સમાજજીવનમાં પ્રત્યેક સ્તરે એ વ્યાપેલ છે. સૂર્યોદય થયાં પહેલાં પ્રભાતનાં પ્રથમ પહોરે નારીવૃંદ ઘરનાં આંગણામાં કે ઉંબરામાં, તુલશીકયારે માતાજીનાં સ્થાનકે, યજ્ઞવેદી પાસે, મહેમાનોની જમવાની પંક્તિ બેસે ત્યાં પરંપરાગત રીતે ધરતીમાંથી પ્રાપ્ત થતાં રંગો જેવા કે સફેદ ખડી, ચુનો, કંકુ, ગુલાલ, હળદર, ચોખાં, વિવિધરંગનાં ધાન્ય અને કઠોળ, વિવિધરંગી પૂષ્પો વગેરે લઈ રંગોળીની રંગલીલાને સાકાર કરવામાં આવતી. આ આકૃતિઓને આંગળીઓથી જ આલેખન કરવામાં આવતું. આ રંગોળીમાં સરળ અને સહજ આકારો રચી રોજિદાં કાર્યોનો પ્રારંભ કરવાની પ્રથા હતી. ધાર્મિક ઉત્સવો, પર્વો અને માંગલિક પ્રસંગોની સિધ્ધિ રંગોળીની સુંદરતા પર આધારિત હતી. તે સમયે રંગોળીમાં સ્વસ્તિક, સૂર્ય, ચંદ્ર, શંખ, મત્સ્ય, પદમ વગેરે દેવોનાં પ્રતિકોને સ્થાન આપવામાં આવતું. એથીજ સાધૂ, સંન્યાસીઓ દેવીપ્રતિકો અને શુભકામનાઓથી અંકિત રંગોળીવાળા આંગણેથી ભિક્ષા લેવાનું પસંદ  કરતા હતા.
           રંગોળી આલેખનનો પ્રારંભ ઈ.સ. પૂર્વે ૨૦૦૦ એટલે કે ૪૦૦૦ વર્ષ પહેલાં થયો  હોવાની એક માન્યતા છે. રંગોળી વિષેનાં વિષેનાં ઉલ્લેખો હિન્દુઓનાં પૌરાણિકશાસ્ત્રોમાં, ક્રિયાકાંડની વિધિમાં, વાસ્તુશાસ્ત્ર, મહાપંથનાં પાટોમાં, પાટની આકૃતિમાં, શાકતપંથની તંત્ર-યંત્રની આકૃતિઓમાં, યજ્ઞયાગાદિમાં જોવા મળે છે. એ ઉપરાંત કામસૂત્રમાં વાત્સ્યાયને ‘આલેખ્યમ’ તરીકે; ઈ.સ. ત્રીજા શતકમાં ધાન્યની રંગોળીની રચનાનો, સાતમાં શતકમાં વારાંગચરિતમાં પંચરગી ચૂર્ણધાન્ય ને પુષ્પોની રંગોળીનો, અગિયારમાં શતકમાં વાદીભસિંહના ‘ગધચિંતામણી’માં ભોજન સમારંભમાં ‘મંગલચૂર્ણરેખા’નો, હેમચંદ્રાચાર્યશ્રીએ ‘દેશીનામમાલા’માં ચોખાનાં આટાની રંગોળીનો, બારમાં શતકમાં માનસોલ્લાસમાં ‘ધુલિચિત્ર’નો, શ્રીકુમારના ‘શિલ્પરન’માં ‘ક્ષણિકચિત્ર’નો તેમજ ભાસ્કર ભટ્ટનાં શિશુપાલવધ કાવ્યમાં વિવિધ પ્રકારની રંગોળી રચનાનો ઉલ્લેખ જોવા મળે છે.
              પ્રાચિનકાળમાં રંગોળીની અનેકવિધિ-આકૃતિઓમાં એક યા બીજી રીતે શુભસાંકેતો જ આલેખવામાં આવતા. આથી ધર્મ અને શુભકામનાનાં પ્રતિકોની આકૃતિવાળી રંગોળી પ્રાચીન આધ પ્રકારોમાં ગણાય છે. આંગળીઓની ચપટીમાં રંગચૂર્ણ લઈ બીજો કોઈ જ આધાર લીધા વિના ગાય, નાગ ને મંડલોની, શોભનોની રંગાકૃતિની રંગોળી પ્રથમ પ્રકારની ગણાય છે. સમયનાં વહેણ સાથે રંગોળીમાં પરિવર્તન થવા લાગ્યું. ઈસ્વીસનની ૩જી સદીમાં ઘઉં, ચોખા અને મગ, અડદ જેવાં વિવિધ ધાન્ય અને કઠોળનો રંગોળીમાં ઉપયોગ થવા લાગ્યો, ત્યારબાદ વિવિધ પંચરંગી ચૂર્ણધાન્ય સાથે રંગબેરંગી વિવિધ પુષ્પોની શોભનવાળી રંગોળી અસ્તિત્વમાં આવી. એ પછી માગલિક પ્રસંગો અને ભોજન સંમારંભમાં રંગોળીએ શોભામાં અભિવૃધ્ધિ કરવા લાગી. રાજપુતયુગ, સુલતાનયુગ અને મોગલયુગનાં સાંસ્કૃતિક પ્રવાહે રંગોળીની શોભનકલામાં ફુલ, પાન, વૃક્ષ, વેલિઓ, કમળફુલ, મોર, પોપટ, માતાજી, દેવિઓ, દેવોનાં પગલાં, અશ્વ, હાથી વગેરેના રેખાંકનોને સ્થાન અપાવ્યું. રાજસ્થાન, દિલ્હી અને આગ્રામાં રંગોળીની આકૃતિમાં ગાલીચાનું આકર્ષણ વધ્યું. આ રીતે રંગોળીએ સ્થાનભેદે કેટલીક લાક્ષણિકતાઓ પણ અપનાવી. રંગોળીમાં યુગપરિવર્તન સાથે માનવસૂઝ અને સધનોનો વિકાસ થતાં ટપકાંને આધારે ભૌમિતિક આકૃતિઓની રંગોળી શોભનનો વિકાસ થયો. તેમા ભાતચિત્ર (DESIGN), પદાર્થચિત્ર (OBJECT DRAWING), મુક્ત-હસ્તચિત્ર (FREE HAND DRAWING), પ્રકૃતિચિત્ર (NATURE DRAWING). નો સમાવેશ થયો. તેમજ પાણીની ઉપર રંગોળી અને પાણીની અંદર રંગોળી રચવામાં સફળતા મળી. આ રીતે આજે તો રંગોળી ભૌમિતિક ભાતોની સાથે પ્રતિકો અને મનોહર ચિત્રોની રંગપૂરણીની ભૂમિચિત્રોની કલાકૃતિઓ બની રહી છે.
             સૌરાષ્ટ્ર, ગુજરાતની લોકનારીઓ હૈયાં ઉકલતથી જે  સૂઝે તેવી લોકકલાની આકૃતિઓ દોરે છે. લૌકિક પરંપરાગત ઘરનાં આંગણામાં ઓસરીમાં ગાર કરી તેની ઉપર ધોળી ખડી અને રાતા ગેરૂથી તેમાં સરળ અને સહજ આકારો, પ્રકારો અને આલેખનો કરે છે. આ આકારોમાં પ્રકૃતિનાં રંગો પૂરે છે. માંગલિક પ્રસંગોએ લક્ષ્મીજીનાં પગલાં, સ્વસ્તિક, કળશ, હાથી, મોર કે પોપટ જેવાં પ્રતિકો રંગોળીથી પ્રયોજે છે. રંગોળીનું વર્તુળ ગ્રહોનું ભ્રમણમાર્ગોનું પ્રતિક ગણાય છે. ચોરસ આકારની રંગોળી યજ્ઞકુંડનું પ્રતિક માનવામં આવે છે. ચાર સરખાં ખુણાવાળી રંગોળી ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું પ્રતિનિધિત્વ કરતી મનાય છે. રંગોળી આલેખતી વખતે રેખાનું તૂટવું અશુભ મનાય છે. રંગોળીને અશુભ નજર ન લાગી જાય તે માટે તેમાં ક્યાંય પણ ખુલ્લી જગ્યા રાખવામાં આવતી નથી. એવી પ્રબળ લોકમાન્યતા છે.
વધુ આવતાં અંકે…………

Advertisements