ગુજરાતી સાહિત્ય એકેડ્મી દ્વારા પ્રાપ્ત થયેલ ગુજરાતી ભાષાની શ્રેષ્ઠ સાહિત્ય કૃતિ નું પ્રથમ પારિતોષિક અને રોકડ ઇનામ વિજેતા ગ્રંથ ..” સૌરાષ્ટ્રનો સાંસ્કૃત્તિક વૈભવ“ ( ડો. કલાભાઈ પિંગળશીભાઈ ગઢવી સ્મૃતિગ્રંથનું, લક્ષ્મણભાઈ પિંગળશીભાઈ ગઢવી રચીત પુસ્તક ) માંથી……….

વ્યાખ્યા : રંગોળી શબ્દ રંગ + ઓળીમાંથી બન્યો છે. ઓળી દેશ્ય શબ્દ છે. ઓળી એટલે હાર, પંક્તિ, રેખા, લીટી. રંગોળી અર્થાત્ લીટી, દોરી, રંગપૂરી, જમીન પર ઉપસાવવામાં આવતી આકૃતી કે ભાત. જે રંગાવલિકા, રંગઉલિઆ, રંગાવલી, રંગાવલ્લી, વૃલિચિત્ર, ક્ષણિકચિત્ર, મંગલચૂર્ણરેખા, ધૂલિચિત્ર અને બંગાળમાં “અલ્પના”, રાજસ્થાનમાં “માંડાણા”, મધ્યપ્રદેશમાં “ચૌકપુરના”, આંધ્રમાં “મૂગ્ગૂ”, તામીલનાડુમાં “કોળમ”, મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટકમાં “રંગોળી”, કમાઉપ્રદેશમાં “ઐપણ” ને કેરળમાં “પૂવડિલ”, નામે ઓળખાય છે. વૈષ્ણવમંદિરોમાં “સાંઝીં” અને પારસીઓમાં “છાપા” તરીકે રંગોળીના સ્વરૂપો પ્રચલિત છે. રંગોળીએ નારીવૃંદની કલા છે.
        શ્રી હરિવલ્લભ ભાયાણી રંગોળી વિશે  લખે છે કે : “સંસ્કૃત રંગાવલીનો શબ્દાર્થ છે. ‘રંગ વડે પાડેલી ઓળ’ એટલે જ તો રંગોળી પૂરવી એનો જેમ એક અર્થ ‘રંગ વડે ભાત અને આકૃતિ પાડવી’ (ઉત્સવને કે પર્વને પ્રસંગે ચોકમાં) એવો છે, તેમ બીજો અર્થ છે. ‘અતિથિને પંક્તિબંધ માટે ભોંય પર રંગની ઓળો, આસનનાં ખાનાં વગેરે શોભાર્થે પાડવા.’ આઠમી-નવમી શતાબ્દીના સહિત્યમાં મોતીની રંગોળીનાં ઉલ્લેખ છે. જેમ આંગણુ રંગોળીથી શણગારાય છે તેમ પહેલાં તે ચોકથી પણ શણગારાતું. આ ચોક, ‘આંગણા કે શેરીની ખુલ્લી ચોખંડી જગ્યા’ એવા અર્થના શબ્દથી જુદો શબ્દ છે. આ ચોક એટલે તો ‘સફેદ ચૂર્ણથી ભોંય પર કરેલું ચિતરામણ’ જૂના સાહિત્યમાં ચોક પણ મોતીએ પૂરવાનો ઉલ્લેખ છે.
      આજે પણ તામિલનાડુ અને કેરલના લોકો દરરોજ આંગણામાં ચોખાનાં લોટથી ધોળી ભાત કાઢે છે જેને ‘કોલન’ કહે છે. ચોકનું મૂળ ચતુષ્ક છે. તેનો આરંભ ચોખંડી ભાતોથી થયો હોય, બે જૂનાં ધોળમાંની નીચેની પંક્તિઓ જુઓ:

              તળીયાં તે તોરણ બાધિયાં, મોતીના પૂર્યાં ચોક જો,
              કુંકુમ   છાટયાં   છાટણાં,  ભેરૈયા  ભેર્ય  વગાડજો.

              છડો  દેવરાવો  કુંકુમ ગારે, ચોક  પુરાવો  મોતી-હારે,
              ચયદશ પ્રગટાવોને દીવા, મેં જાણ્યું જે મારે ઘેર વિવા.
                                (શબ્દકથા: ગુજરાતી સાહિત્ય પરિષદ)”

-વધુ આવતા અંકે…….

Advertisements