કેમ કરી લજ્જા રહેશે, તાત? હું શેં ન મૂઈ મરતાં માત?
માતા   વિના સૂનો   સંસાર,  નમાયાંનો  શો  અવતાર?
જે બાળકની માતા ગઈ મરી, બાપ-સગાઈ સાથે ઊતરી,
જેમ આથમતા રવિનું તેજ, મા વિના તેવું પિતાનું હેજ.
સુરભિ મરતાં જેવું વચ્છ, જળ વિના જેમ તરફડે મચ્છ,
ટોળા-વછોહી જેમ મૃગલી, મા વિના તેમ પુત્રી એકલી.
લવણ વિના જેમ ફિકું અન્ન, ભાવ વિના જેહેવું ભોજન,
કીકી વિના જેવું લોચંન, મા વિના તાતનું તેવું મંન,
ઘડો ફૂટે    રઝળે  ઠીકરી, મા  વિના  એવી  દીકરી;
ગોળ વિના મોળો કંસાર, માતા વિના સૂનો સંસાર.

-મહાકવિ શ્રી પ્રેમાનંદ
(“કુંવરબાઈનું મામેરું”માંથી)

નામ ઃ મહાકવિ શ્રી પ્રેમાનંદ
જન્મ ઃ ઇસુની ૧૭મી સદી ઇ.સ.૧૬૪૦ થી ૧૭૦૦
કાવ્ય ગ્રંથ ઃ ચન્દ્રહાસ આખ્યાન,અભિમન્યુ આખ્યન,નળાખ્યાન,ઓખાહરણ,
કુંવરબાઇનુ મામેરું, દશમ સ્કન્ધ વગેરે…….

Advertisements