ગુજરાતી સાહિત્ય એકેડ્મી દ્વારા પ્રાપ્ત થયેલ ગુજરાતી ભાષાની શ્રેષ્ઠ સાહિત્ય કૃતિ નું પ્રથમ પારિતોષિક અને રોકડ ઇનામ વિજેતા ગ્રંથ ..” સૌરાષ્ટ્રનો સાંસ્કૃત્તિક વૈભવ“   માંથી………
સ્વર વર્ગીકરણ :   હસ્વ સ્વર : અ, ઇ, ઉ, ઋ, લૃ,
                                દીર્ઘ સ્વર : આ, ઈ, ઊ, ઋ
                                સંયુક્ત સ્વર : એ, ઓ, ઐ, ઔ.
                                અનુસ્વાર  : અં.
                                વિસર્ગ : અઃ.

વ્યંજન : સ્વર સિવાયના વર્ણ વ્યંજન છે, જે સ્વરની સહાયથી લખાય, બોલાય છે.

વ્યંજન વર્ગીકરણ : વર્ગીય વ્યંજન પચીસ છે. ક થી મ સુધી.
              અંતઃસ્થ વ્યંજન ય, ર, લ, વ.
              ઉષ્મ વ્યંજન શ, ષ, સ, હ.
              સંયુક્ત વ્યંજન ક્ષ (ક્+ષ), ત્ર (ત્+ર), જ્ઞ (જ+ગ)
              હલન્ત વ્યંજન  ફ, મ્, આદિ સ્વરહીન વ્યંજન.
     ઉચ્ચરિત ધવનિ જયારે લેખિતરૂપે પ્રગટે છે ત્યારે તે ધ્વનિ ને વર્ણ કહે છે. સામાન્ય રૂપે કર્ણ દ્વારા સંભળાતા નાદને ધ્વનિ કહે છે. નાદના તાત્ય્ત્વિક ચિરંતન રૂપને અક્ષર અને તેના લેખિત વ્યકત રૂપને વર્ણ સંજ્ઞા આપવામાં આવે છે. છંદ-વ્યવહારમાં પ્રાયઃ અક્ષર અને વર્ણ પર્યાય ગણાય છે.
 
પ્રધાન અંગ : લય : લયની ઉત્પતિ પ્રવાહ અને યતિ વિરામના પારસ્પરિક તેમજ ક્રમિક સંયોગથી થાય છે. લયનું સ્વરૂપ તત્ય્ત્વઃ આવૃતિમૂલક છે. સંગીત અને કવિતામાં લય કાળ-સાપેક્ષ છે. ગાયન, વાદન અને નર્તન સંગીતનાં આ ત્રણે અંગોને પરસ્પર સૂત્રબધ્ધ કરનાર વસ્તુ લય છે. છંદના પ્રત્યેક પાદની યતિ-ગતિ લયયુક્ત માનવામાં આવે છે.

તાલ : લયની જેમ તાલ શબ્દ પણ વર્ણ સાથે સંબંધિત છે. સ્વરની ગતિના વિશિષ્ટ રૂપમાં પરિચય તાલ દ્વારા પ્રાપ્ત થાય છે. સ્વર કરતાં તાલનું સ્થાન ગૌણ માનવામાં આવે છે. સ્વર એ એક અંગ છે તો તાલ ઉપાંગ. તાલ એ એક પ્રકારનું માપ છે. માત્રિક છંદનો લય તાલ આધીન હોય છે. માત્રાઓ પૂર્ણ થવાથી પણ તાલભંગ થાય છે, જેથી લય બગડી જાય છે.

ચરણ (પદ,પાદ) : કોઈ પણ છંદની પ્રધાન યતિ (વિરામ) એ સમાપ્ત થનાર પૂર્ણ પંક્તિને તેનું એક ચરણ કહેવામાં આવે છે. આને પદ-પાદ-કહે છે. પદ એ ચતુષ્પદીનું નામ છે. સામાન્ય રીતે છંદની કલ્પન ચતુષ્પાદની કરવામાં આવે છે. અધિકાંશ છંદ ચાર ચરણ-પદ-પાદ યુક્ત હોય છે. ચરણના આધારે છંદના પ્રમુખ ત્રણ ભેદ બને છે.

૧) સમછંદ : જે છંદમાં બધાં ચરણ સમાન હોય તેને સમછંદ કહે છે

૨) વિષમછંદ : જે છંદમાં બેથી વધુ ચરણ સમાન ન હોય તેને વિષમછંદ કહે છે.

૩) અર્ધ્ધસમછંદ : જે છંદમાં અમુક ચરણ (પ્રથમ તથા તૃતીય) એકસમાન હોય બીજું તથા ચોથું ચરણ સમાન હોય તેને અર્ધ્ધસમછંદ કહે છે.

તૂક : કોઈપણ છંદનાં બે ચરણોને અન્તે જ્યારે અંત્યાનુપ્રાસ આવે છે. ત્યારે તેને તૂક મળી કહેવાય છે. ચરણોના અન્તે હોવાથી તેને તૂકાન્ત પણ કહે છે. તૂકમાં સ્વર અને વ્યંજન બન્નેની સમાનતા અને આંશિક એકતા રહે છે. વસ્તુતઃ તૂકનો વિકાસ લોકભાષાઓની ગેય પરંપરા દ્વારા થયો છે.

યતિ : યતિ એટલે વિચ્છેદક અંગ અથવા વિરામ. પ્રાયઃ છંદના અન્તે વિરામ-રુકાવટ-વિશ્રામની જરૂરિયાત રહે છે. તેને યતિ, વિરામ, વિશ્રામ કહે છે. કવિતા અથવા કથનીમં ક્યાં વિશ્રામ લેવો તે ક્રમને સામાન્ય રીતે વૃત બોલવાની ઢબ પર રહેલ છે. પદને છેડે, મધ્યમાં અંતે વિશ્રામ લેવામાં આવે છે.

ગતિ : પ્રત્યેક છંદમાં માત્રા અથવા વર્ણની નિશ્વિત સંખ્યા અને તેના ક્રમનો  નિર્વાહ કરવાથી તેનો પ્રવાહ  વધે છે.  તેને ગતિ કહે છે. તેને લય કહી શકાય છે.

વધુ આવતાં અંકે………

Advertisements