(૨) સંગીત-લોકસંગીત……..

મધુરનાદ : સંગીતોપયોગી કોઈપણ ઉત્પન્ન થતો ધ્વનિની કંપન સંખ્યા નિયમિત હોય છે. ત્યારે તેને મધુરનાદ કહેવામાં આવે છે.

આંદોલન અને તેની સંખ્યા : જ્યારે કંપન કરતી કોઈપણ વસ્તુ તેની મૂળ સ્થિતિથી ઊંચે અને ત્યારબાદ તેટલી જ નીચે ગયા બાદ જ્યારે મૂળ સ્થિતિ પર પરત આવે છે તેટલાં કંપનને એક આંદોલન કહેવામાં આવે છે. આંદોલન બંધ થતાં ધ્વનિ બંધ થાય છે. એક સેકન્ડમાં તાર જેટલાં આંદોલન છેડે છે, તેને તે ધ્વનિને આંદોલન સંખ્યા કહે છે.

નાદની ઊંચાઈ : નાદનાં ઊંચા કે નીચાપણાનો આધાર ધ્વનિ ઉત્પાદક આંદોલનની સંખ્યા પર રહે છે. વધુ આંદોલનની સંખ્યાનો ધ્વનિ ઊંચો અને ઓછી આંદોલનની સંખ્યાનો ધ્વનિ નીચો કહેવાય છે.  

નાદની ઘનતા : ધ્વનિ ઉત્પાદકતા જેમ વધુ તેમ ધ્વનિની ઘનતા વિશેષ. ધ્વનિ ઉત્પાદકતા પર વિશેષ દબાણ કરવાથી તેમા આંદોલનની પહોળાઈ વધે છે, તેને કારણે મોટો ધ્વનિ ઉત્પન્ન થાય છે. 

સ્વર-સૂર : અવાજનાં સ્થૂલ સ્વરૂપને સ્વર અથવા સૂર કહે છે. સાધારણ ગાયન-વાદનમાં સ્થૂલ સ્વર પ્રયોજાય છે. અને ખાસ રાગ-રગીણીઓનાં સાચાં સ્વરૂપો બતાવવામાં શ્રુતિઓનો ઉપયોગ થાય છે. ૨૨ શ્રુતિઓમાંથી અમુક શ્રુતિનાં નકકી કરેલ અંતરે શુધ્ધ તેમજ વિકૃત સ્વરો મનાય છે. મુખ્ય સાત સ્વરોમા અનુક્રમે ષડજ, રિષભ, ગાંધાર, મધ્યમ, પંચમ, ધૈવત અને નિષાદ છે. ગાતી વખતે તે સ્વરોને ટુંકાવીને ક્રમાનુસાર ‘સા રે ગ મ પ ધ નિ’ આ રીતે ઉચ્ચારાય છે. સ્વરનાં શુધ્ધ અને વિકૃત એમ બે પ્રકાર છે. 

સપ્તક : સા થી નિ સુધીમાં આવતા સ્વરોનાં સમુહને સપ્તક કહે છે. આ સ્વરોમાં તાર, સપ્તકનો સા ઉમેરવાથી એક સપ્તક પૂરું થાય છે. આમાં મુખ્ય સપ્તક મન્દ્દ મધ્ય અને તાર એમ ત્રણ છે. આ ત્રણેય સપ્તકો એક બીજાથી બમણી ઊંચાઈએ આવેલ છે. સપ્તક શરીરનાં સ્થાન સાથે સંબંધિત છે. 

શ્રુતિ : ‘શ્રયતે ઈતિ શ્રુતિ’ એક સપ્તકમાં એક બીજાથી ઊંચા એવાં અસંખ્ય નાદ હોય છે, પરંતુ એક બીજાથી સ્પષ્ટ રીતે સાંભળી તેમજ ગાઈ શકાય તેવાં ૨૨ નાદ હોય છે. આ ૨૨ નાદને શ્રુતિ કહે છે. શ્રુતિએ અવાજનું સૂક્ષ્મ સ્વરૂપ છે.  

સૂરાવટ : એ સૂર ઉપરથી બીજા સૂર ઉપર એકદમ સીધા જઈ અટકી ન જતાં રાગને અનુકૂળ બીજા સૂરો ઉપર ફરીને જવૂં તેને સૂરાવટ કહે છે. ઉદાહરણ તરીકે વૈષ્ણવજન ‘સા ગ, ગ, ગ, ગ, ગ,’ ને સાદા સીધા ગાનમાં ‘સા, રે, પ, મ, ગ, ગ,’ સૂરો લગાડતાં સૂરાવટથી ગાયુ કહેવાય છે

સ્વરનિયોજન : અમુક પ્રકારે અને અમુક અંતરે સૂરોની ગોઠવણીથી ધારી અસર ઉત્પન્ન કરવામા આવે છે. તેને સ્વરનિયોજન કહે છે. 

મીંડ : એક સૂરને તાણીને તોડયા વગર બીજે સૂરે પહોંચવુ તેને મીંડ કહે છે. મીંડના સૂરો ખેંચાય છે. મીંડમાં એક સૂર તોડયા વગર બીજા સૂર પર જવાનુ હોવાથી તે હારમોનિયમમાં શક્ય નથી. મીડ સંગીતનું અગત્યનું અંગ છે.  

પૂર્વાંગ : ઉતરાંગ : સપ્તકનાં બે ભાગ છે. પેલા ભાગ ‘સા રે ગ મ’ ને પૂર્વાંગ અને બીજા ભાગ ‘પ ધ નિ સા’ ને ઉતરાંગ કહે છે 

સંવાદ-વિસંવાદ : બે સ્વરોનાં સુમધુર મિલાપને સંવાદ કહે છે. તેનાં ત્રણ પ્રકાર છે. બહુ નજીક અને બહુ દૂર આવેલાં સ્વરો સાથે વગાડવાથી વિસંવાદ ઉત્પન્ન થાય છે.  

આરોહ-અવરોહ : સ્વરોનાં ઉપર જવાના ક્રમને આરોહ અને નીચે ઉતરવાનાં ક્રમને અવરોહ કહે છે. 

વર્ણ : ગાવાની પ્રત્યક્ષ ક્રિયાને વર્ણ કહે છે. તેનાં ચાર પ્રકાર છે. 

અલંકાર : સ્વરોની વિશિષ્ટ પ્રકારની નિયમિત રચનાને અલંકાર કહે છે.

ખરજ-લરજ : મંદ્ સપ્તકનાં સ્વરોને ખરજ અને અનુમંદ્રનાં સ્વરોને લરજ કહે છે.

ગ્રામ : સ્વરનાં સમૂહના વિશ્રામસ્થાનને ગ્રામ કહે છે.

મૂર્ચ્છના : ગાનમાં સ્વરને કંપાવવામાં આવે તેને મૂર્ચ્છના કહે છે.

લાગ : ચાલતા ગાનમાં એકદમ સ્વર છોડીને બીજા સપ્તકનાં તે જ સ્વર ઉપર રોકાઈ પાછા સ્વર ઉપર આવે તેમાં વચ્ચે છોડી દીધેલાં સ્વરને ‘લાગ’ કહે છે.

ડાટ : લાગમાં ઊંચા સ્વરને પકડીને બીજા સ્વરને સ્પર્શ કરવામા આવે તેને ડાટ કહે છે.

વધુ આવતા અંકે…………

Advertisements