દરિયો ડોલે રે માઝમ રાતનો, હે….ઝૂલે જાણે પારણે મારો વીર રે,
મધરાતે માતા રોતા વીરાની દોરી તાણતી.

છલકે મોજા રે છોળો મારતા, હે…ખૂંદે જાણે ખોળલા મારો વીર રે
મધરાતે માતા રોતા વીરાની દોરી તાણતી.

આભમાંથી ચાંદો રેલે ચાંદની, હે…પાથરે જાણે વીરાના ઓછાડ રે
મધરાતે માતા રોતા વીરાની દોરી તાણતી.

ઝલકે ઝલકે રે જળ માછલી, ઝલકે જાણે વીર મ્હારાને આંખ રે !
મધરાતે માતા રોતા વીરાની દોરી તણાતી.

ઉઘડે ઉઘડે રે જળ માછલી, ઉઘડે જાણે મા-જાયાંનાં નેન રે !
મધરાતે માતા રોતા વીરાની દોરી તણાતી.

ઝબકે ઝબકે રે ઝીણી વીજળી, હે….ઝબકે જાણે સોણલે મારો વીર રે
મધરાતે માતા રોતા વીરાની દોરી તાણતી.

દરિયો ગાજે રે માઝમ રાતનો, હે….માવડી જાણે વીરને હાલા ગાય રે
મધરાતે માતા રોતા વીરાની દોરી તાણતી.

દરિયો મલકે ને ડોલર ફીણ વળે, મલકે જાણે વીર મ્હારામ્નાં મુખ રે !
મધરાતે માતા રોતા વીરાની દોરી તાણતી.

Advertisements

ધગધગતી ધારા, તોય બહારા, પાકે બહારા પોબારા,

ધરતી ગાજે, કાયર ભાગે, હાંકે દેતા, હોંકારા,

જનનીના જાયા કવિએ ગાયા લોક વિરલા કો’ક જડે,

મેદાને મરવા, અવસર વરવા, મરદ કસુંબલ રંગ ચડે.

જીય મરદ કસુંબલ રંગ ચડે–

રણશીંગા વાગે સુતા જાગે કાયર ભાગે કામ પડે,

ધગ ધગતી ધરતી ફોજુ ફરતી વિનાશ કરતી તેગ વડે,

જનનીના જાયા કવિએ ગાયા લોક વિરલા કોક જડે,

મેદાને મરવા અવસર વરવા મરદ કસુંબલ રંગ ચડે–

જીય મરદ કસુંબલ રંગ ચડે–

ગુજરાતી સાહિત્ય એકેડ્મી દ્વારા પ્રાપ્ત થયેલ ગુજરાતી ભાષાની શ્રેષ્ઠ સાહિત્ય કૃતિ નું પ્રથમ પારિતોષિક અને રોકડ ઇનામ વિજેતા ગ્રંથ ..” સૌરાષ્ટ્રનો સાંસ્કૃત્તિક વૈભવ“ ( ડો. કલાભાઈ પિંગળશીભાઈ ગઢવી સ્મૃતિગ્રંથનું, લક્ષ્મણભાઈ પિંગળશીભાઈ ગઢવી રચીત પુસ્તક ) માંથી……….

તાલની જાતી : તાલની જાતી પાંચ છે.

૧) તિસ્ત્ર જાતી : તિસ્ત્ર જાતીનાં તાલમાં દરેક ખંડમાં ત્રણ ત્રણ માત્રાઓ હોય છે. જેમ કે દાદરો     માત્રા – ૬.
૨) ચતુસ્ત્ર જાતી : ચતુસ્ત્ર જાતીનાં તાલના દરેક ખંડમાં ચાર ચાર માત્રા હોય છે.
૩) મિશ્ર જાતી : મિશ્ર જાતીનાં તાલોમાં ૭ માત્રા હોય છે. તાલનાં પહેલાં ખંડમાં ત્રણ, બીજા ખંડમાં ચાર માત્રા હોય છે. જેમ કે દીપચંદી માત્રા – ૧૪.
૪) ખંડ જાતી : ખંડ જાતીનાં તાલો ૫ માત્રાની હોય છે. તેમનાં પ્રથમ ખંડમાં ૨ માત્રા હોય છે. જેમકે ઝપતાલ.
૫) સંકીર્ણજાતી : સંકીર્ણજાતીનાં તાલોમાં ૯ માત્રા હોય છે. જેમાં પ્રથમ ખંડ પાંચ માત્રા અથવા ૯ માત્રાનો ખંડ આવે છે.

ઠેકા: તબલાં પર વગાડવામાં આવતાં ધા, ધીં, તા વગેરે તાલનાં બોલને ઠેકા કહે છે.

દુગન : લયને કાયમ રાખીને તેનાથી બમણી લયમાં ગાંવુ કે વાગાડવાની ક્રિયાને દુગન કહે છે.

ગાનનાં દોષ : બ્રહ્મર્ષિ નારદમુનિએ ગાનમાં આ પ્રમાણેનાં દોષ જણાવ્યાં છે :

૧) કંપિત અથવા ગાતી વખતે સ્વર હલતો રહે.
૨) ભય અથવા કોઈની ભીતીથી ગાવુ.
૩) ઉદ્ ઘૃષ્ટ રીતિથી ગાવું.
૪) અવ્યક્ત અથવા વર્ણોચ્ચાર યોગ્ય રીતે ન કરવો.
૫) નાકમાંથી અવાજ કાઢવો.
૬) નાકનાં સ્વરથી ગાવું.
૭) ઘણાં ઊંચા સ્વરેથી ગાવું.
૮) સ્વરને પોતાની જગ્યા નીચે મૂકી ગાવું.
૯) મૂળ સ્વરને મૂકીને બીજા સ્વરો લગાડીને ગાવું.
૧૦) અરસિક ગાવું.
૧૧) શ્રમિત થઈને ગાવું.
૧૨) વિના કારણ સ્વરને ધક્કો દઈને ગાવું.
૧૩) વ્યાકુળ રીતિથી ગાવું.
૧૪) બેતાલ અથવા તાલ વિનાનું ગાવું.

— ઉપરનાં દોષો સિવાય બીજા કેટલાંક દોષો નીચે પ્રમાણે છે.

૧) સંદ્દષ્ટ : રસ વિનાનાં શબ્દોનો ઉચ્ચાર ગાતી વખતે કરવો તેને સંદ્દષ્ટ દોષ કહેવામાં આવે છે.
૨) સૂતકારી : જેનાં ગાયનમાં વારંવાર સત્કાર શબ્દો નીકળે છે, તેને સૂતકારી દોષ કહેવામાં આવે છે.
૩) કરાલી : ગાતી વખતે જેનો ચહેરો ભયાનક દેખાય છે, તેને કરાલી દોષ કહે છે.
૪) કરમ : ગાતી વખતે માથૂં ઝૂકાવીને ખંભાપર કપાળ મૂકીને અથવા ગાલ કે કાન પર હાથ મૂકીને ગાવું એને કરમ દોષ કહેવામાં આવે છે.
૫) ઉદ્દઘટ : ગાતી વખતે બકરાનાં જેવો સ્વર કાઢવો તેને ઉદ્દઘટ દોષ કહેવાય છે.
૬) ભોંળક : ગાતી વખતે ચહેરાની નસો તરી આવે , તેને ભોંળક દોષ કહેવાય છે.
૭) વક્રી : ગાતી વખતે ગળા ને વાંકુ કરવું તેને વક્રી દોષ કહેવાય છે.
૮) પ્રસારી : ગાત્રોને ફુલાવીને ગાવું તેને પ્રસારી દોષ કહેવાય છે.
૯) નિમીલક : ગાતી વખતે આંખો મીંચી દેવી એને નિમીલક દોષ કહેવાય છે.
૧૦) અનવસ્થિત : મૂલાધાર અનાહત અને બ્રહ્મરંધ – એ ત્રણ સ્થાનોનાં બોધ વિનાનું ગાવું એને અનવસ્થિત દોષ કહેવાય છે.
૧૧) નિશ્રક : રાગમાં જે સ્વરો લગાડવા જોઈએ તે ન લગાડાતાં બીજા સ્વરો લગાડવા તેને નિશ્રક દોષ કહેવાય છે.
૧૨) અવધાન :સ્થાયી વગેરે અલંકારને ક્રમથી મૂક્યાં સિવાય ગાવું તેને અવધાન દોષ કહેવાય છે.
૧૩) અંધપરંપરા : સ્વરશાસ્ત્રનું સંપૂર્ણ જ્ઞાન મેળવ્યાં સિવાય બીજા માણસનાં ગળાની નકલ કરીને ગાવું તેને અંધપરંપરા દોષ કહેવાય છે.


વધુ આવતા અંકે……….

ગુરૂ બ્રહ્મા,  ગુરૂ  વિષ્ણુ,   ગુરુદેવો    મહેશ્વર,
ગુરૂઃ સાક્ષાત પરિબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ


ગુરૂ  ગોવિંદ  દોનો ખડે,   કીસકો લાગુ પાય,
બલિહારી ગુરૂ આપને, ગોવિંદ દિયો બતાય.


ગુરૂ વિણ જ્ઞાન ન ઉપજે, ગુરૂ વિણ મળે ન ભેદ,
ગુરૂ વિણ સંશય ના ટળે, જય જય જય ગુરૂદેવ.


ગુરૂ કુંભાર ઔર શિષ્ય કુંભ હૈ, ઘટ ઘટ કાઢે ખોટ,
ભીતરથી  ભલે  હાથ પસારે,   ઉપર  મારે  ચોટ

.
સદગુરૂ  એસા   કિજીયે,     જૈસે  પુનમકો  ચંદ્ર,
તેજ કરે પણ તપે નહીં, ઉપજાવે અતિ આનંદ.


સદગુરૂ   મારે   શારડી,      ઉતરે    આરપાર,
ઘાયલ કરે આ પાંજરું અને દેખાડે દશમો દ્વાર.


ગુરૂ શિકારી,   સારથી,   મારે  શબ્દોનાં  બાણ,
ટોંકે  પણ  ટોચે  નહીં,    સમજાવે  સહી  શાન.


ગુરૂ ઘમંડી,  ચેલો  ચાંપલો,   ક્યાંથી  ખાશે  મેળ,
જ્ઞાની ગુરૂ ને ચેલો ચતુર, તો તો ભક્તિ રેલમછેલ.


ગુરૂ કર્યા પણ ઓળખ્યા નહીં, કર્યો નહીં વાદવિવાદ,
કડછો સાથ  કંદોઈ નો,  પણ કોઈ’દિ  ન પામે સ્વાદ.


માટે ગુરૂ  કરો તો ગામ ઉકેલો,  પકડો  ગુરૂના પાય,
જીવતા  જગતને  જીતશો   અને  મુએ  વૈકુંઠ જાય.


ગુરૂ    સાચો    ગારૂડી,       ઉતારે     ભવ     પાર,
ગુરૂ   વગરનો  નુગરો,  એનો   એળેગ્યો   અવતાર.


સાચે   ગુરૂકી   શિખ,    ફુંક   દિલમે  આગ  લગાય,
જીતના   મનકા  મૈલ હો,      ફુંકસે  હી  જલ  જાય.


 

પ્રિય મિત્રો ,

 

ખુશાલી સાથે જણાવાનુ કે ગુજરાતી સમાચાર પત્ર “ગાંધીનગર સમાચાર”માં આવતી ધબકાર કોલમાં મારો બ્લોગ સાજણ તારા સંભારણાને સ્થાન આપવા બદલ હું ધબકાર પરિવારનો આભારી છું.

 

 

વડલો કહે મારી વનરાયું સળગી ને,
છોડી દીયો ને જૂનાં માળા,
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હોજી..

આભે ચડીયાં સેન અગનનાં ધસીયા અમ દશઢાળાજી,
આ ઘડીયે ચડી ચોટ અમોને, ઝડપી લેશે જ્વાળા,
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હોજી..

બોલ તમારાં હૈયે બેઠાં, રૂડાં ને રસવાળાજી,
કો’ક દિ આવીને ટહુકી જાજો, મારી રાખ ઉપર રૂપાળાં,
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હો જી..

પ્રેમી પંખીડા પાછાં નહીં રે મળીએ, વન મારે વિગ્તાળાજી,
પડદાં આડા મોતનાં પડીયા, તે પર જડીયાં તાળા,
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હો જી..

આશરે તમારે ઈંડાં ઉછેર્યાં, ફળ ખાધાં રસવાળાજી,
મરવા વખતે સાથ છોડી દે તો મોઢાં થાયે મશવાળા,
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હો જી..

ભેળાં મરશું, ભેળાં જનમશું, માથે કરશું માળાજી,
‘કાગ’ કે આપણે ભેળાં બળીશું, ભેળાં ભરીશું ઉચાળા,
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હો જી..

-કવિ શ્રી દુલા ભાયા કાગ

આ ગીત સાંભળવા માટે જુવો રણકાર

http://rankaar.com/?p=265