મા ઉપરની રચનાઓ


 image043.jpg

યાદ નથી પણ જરુર એમ જ હશે,,,હું

સુતી હોઉં અને તાંરો હાથ માથે ફરતો હશે,,,

યાદ નથી પણ જરુર એમ જ હશે,,,

હું રોવું અને તારું મન રોતું હશે,,,

યાદ નથી પણ જરુર એમ જ હશે,,,

હું રમતી હોઉં અને તું મને નીરખતી હશે,,,

યાદ નથી પણ જરુર એમ જ હશે,,,

ઘા મારો હોય અને દર્દ તને થયું હશે,,,

યાદ નથી પણ જરુર એમ જ હશે,,,

હસતી હું હોઉં અને સુખ તને મળતું હશે,,,

યાદ નથી પણ જરુર એમ જ હશે,,,

કોળીયો હું ખાંઉ અને પેટ તારું ભરાતું હશે,,,

યાદ નથી પણ જરુર એમ જ હશે,,,

દૂર હું હોઉં તારાથી અને મારી છબી તારા માં જ હશે,,,,,

મારી માં , મારી માં , મારી માં …….

લી.,

રાધે-ક્રિશ્ના,,,,,,,

કોઈ દી સાંભરે નૈ
મા મને કોઈ દી સાંભરે નૈ
કેવી હશે ને કેવી નૈ
મા મને કોઈ દી સાંભરે નૈ

કોક કોક વાર વળી રમ્મત વચાળે મારા
કાનમામ ગણગણ થાય,
હુ તુ તુ તુની હડિયાપાટીમાં
માનો શબદ સંભળાય-
મા જાણે હિંચકોરતી વઈ ગઈ
હાલાંના સૂર થોડા વેરતી ગઈ….કોઈ દી

શ્રાવણની કોક કોક વે’લી સવારમાં
સાંભરી આવે બા-
પારિજાતકની મીઠી સુગંધ લઈ
વાડીએથી આવતો વા,
દેવને પૂજતી ફૂલ લૈ લૈ
મા એની મ્હેક મ્હેક મેલતી ગઈ….કોઈ દી

સૂવાનાં ખંડને ખૂણે બેસીને કદી
આભમાં મીટ માંડું;
માની આંખો જ જાણે જોઈ રહી છે મને
એમ મન થાય ગાંડું
તગતગ તાકતી ખોળલે લૈ
ગગનમાં એ જ દ્દગ ચોડતી ગૈ….કોઈ દી

કોઈ દી સાંભરે નૈ
મા મને કોઈ દી સાંભરે નૈ
કેવી હશે ને કેવી નૈ
મા મને કોઈ દી સાંભરે નૈ

-ઝવેરચંદ મેઘાણી

નામ ઃ ઝવેરચંદ કાળીદાસ મેઘાણી
જન્મ ઃ ૧૭-૦૮-૧૮૯૭
અવસાન ઃ ૦૯-૦૩-૧૯૪૭
જન્મસ્થળ ઃ ચોટીલા
અભ્યાસ ઃ બી.એ
કાવ્યગ્રંથ ઃ યુગવંદના,વેણીનાં ફુલ, કિલ્લોલ, એકતારો, રવીન્દ્ર વીણા, બાપુના પારણા

ફાટ્યાં-તૂટ્યાં જેને ગોદડી ગાભાં, આળોટવા ફૂટપાથ,
આંધળી ડોશીનો દેખતો દીકરો, કરતો મનની વાત.
વાંચી તારાં દુ:ખડાં માડી ! ભીની થઈ આંખડી મારી.

પાંચ વરસમાં પાઈ મળી નથી, એમ તું નાખતી ધા,
આવ્યો તે દિ’થી આ હોટલને ગણી, માડી વિનાના ‘મા’
બાંધી ફૂટપાયરી જેણે, રાખ્યો રંગ રાતનો એણે !

ભાણિયો તો માડી ! થાય ભેળો જે દિ’ મિલો બધી હોય બંધ,
એક જોડી મારાં લૂગડાંમા, એને, આવી અમીરીની ગંધ ?
ભાડે લાવી લૂગડાં મોંઘા, ખાતો ખારા દાળિયા સોંઘા.

દવાદારૂ આંહી આવે ન ઢૂંકડા, એવી છે કારમી વેઠ,
રાત ને દિવસ રળું તોયે મારું, ખાલી ને ખાલી પેટ,
રાતે આવે નીંદર રૂડી, મારી કને એટલી મૂડી.

જારને ઝાઝા જુહાર કે’જે, ઊડે આંહી મકાઈનો લોટ,
બેસવા પણ ઠેકાણું ના મળે, કૂબામાં તારે શી ખોટ ?
મુંબઈની મેડીયું મોટી, પાયામાંથી સાવ છે ખોટી.

ભીંસ વધીને ઠેલંઠેલા, રોજ પડે હડતાળ,
શે’રના કરતા ગામડામાં, મને દેખાય ઝાઝો માલ,
નથી જાવું દાડિયે તારે, દિવાળીએ આવવું મારે.

કાગળનું તારે કામ શું માડી ! વાવડ સાચા જાણ,
તારા અંધાપાની લાકડી થાવાના, મેં લીધા પચખાણ,
હવે નથી ગોઠતું માડી, વાંચી તારી આપદા કાળી.

-કવિશ્રી ઇન્દુલાલ ગાંધી

નામ ઃ ઈન્દુલાલ ફુલચંદ ગાંધી
જન્મ ઃ ૦૮-૧૨-૧૯૧૧
અવસાન ઃ ૧૦-૦૧-૧૯૮૬
જન્મસ્થળ ઃ મકનસર (તા.મોરબી)
અભ્યાસ ઃ ઇન્ટર આર્ટસ
કાવ્યગ્રંથ ઃ તેજરેખા, જીવનના જળ, ખંડિત મૂર્તિઓ, શતદલ, ગોરસી, ઇંધણા, ધનુરદોરી, ઉન્મેષ વગેરે…………

અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્
પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવતી ખત,
ગગો એનો મુંબઇ ગામે ;
ગીગુભાઇ નાગજી નામે.

લખ્ય કે માડી ! પાંચ વરસમાં પ્હોંચી નથી એક પાઇ
કાગળની એક ચબરખી પણ, મને મળી નથી ભાઇ !
સમાચાર સાંભળી તારા ;
રોવું મારે કેટલા દા’ડા ?

ભાણાનો ભાણિયો લખે છે કે, ગગુ રોજ મને ભેળો થાય
દન આખો જાય દા’ડિયું ખેંચવા રાતે હોટલમાં ખાય,
નિત નવાં લૂગડાં પે’રે
પાણી જેમ પઇસા વેરે.

હોટલનું ઝાઝું ખાઇશ મા, રાખજે ખરચીખૂટનું માપ
દવાદારૂના દોકડા આપણે કાઢશું ક્યાંથી બાપ !
કાયા તારી રાખજે રૂડી ;
ગરીબની ઇ જ છે મૂડી.

ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું, કૂબામાં કર્યો છે વાસ
જારનો રોટલો જડે નહિ તે દી પીઉં છું એકલી છાશ,
તારે પકવાનનું ભાણું
મારે નિત જારનું ખાણું.

દેખતી તે દી દળણાં, પાણી કરતી ઠામેઠામ
આંખ વિનાનાં આંધળાંને હવે કોઇ ન આપે કામ,
તારે ગામ વીજળીદીવા,
મારે આંહીં અંધારાં પીવાં.

લિખિતંગ તારી આંધળી માના વાંચજે ઝાઝા જુહાર
એકે રહ્યું નથી અંગનું ઢાંકણ, ખૂટી છે કોઠીએ જાર.
હવે નથી જીવવા આરો,
આવ્યો ભીખ માગવા વારો.

-કવિશ્રી ઇન્દુલાલ ગાંધી

નામ ઃ ઈન્દુલાલ ફુલચંદ ગાંધી
જન્મ ઃ ૦૮-૧૨-૧૯૧૧
અવસાન ઃ ૧૦-૦૧-૧૯૮૬
જન્મસ્થળ ઃ મકનસર (તા.મોરબી)
અભ્યાસ ઃ ઇન્ટર આર્ટસ
કાવ્યગ્રંથ ઃ તેજરેખા, જીવનના જળ, ખંડિત મૂર્તિઓ, શતદલ, ગોરસી, ઇંધણા, ધનુરદોરી, ઉન્મેષ વગેરે…………

કેમ કરી લજ્જા રહેશે, તાત? હું શેં ન મૂઈ મરતાં માત?
માતા   વિના સૂનો   સંસાર,  નમાયાંનો  શો  અવતાર?
જે બાળકની માતા ગઈ મરી, બાપ-સગાઈ સાથે ઊતરી,
જેમ આથમતા રવિનું તેજ, મા વિના તેવું પિતાનું હેજ.
સુરભિ મરતાં જેવું વચ્છ, જળ વિના જેમ તરફડે મચ્છ,
ટોળા-વછોહી જેમ મૃગલી, મા વિના તેમ પુત્રી એકલી.
લવણ વિના જેમ ફિકું અન્ન, ભાવ વિના જેહેવું ભોજન,
કીકી વિના જેવું લોચંન, મા વિના તાતનું તેવું મંન,
ઘડો ફૂટે    રઝળે  ઠીકરી, મા  વિના  એવી  દીકરી;
ગોળ વિના મોળો કંસાર, માતા વિના સૂનો સંસાર.

-મહાકવિ શ્રી પ્રેમાનંદ
(“કુંવરબાઈનું મામેરું”માંથી)

નામ ઃ મહાકવિ શ્રી પ્રેમાનંદ
જન્મ ઃ ઇસુની ૧૭મી સદી ઇ.સ.૧૬૪૦ થી ૧૭૦૦
કાવ્ય ગ્રંથ ઃ ચન્દ્રહાસ આખ્યાન,અભિમન્યુ આખ્યન,નળાખ્યાન,ઓખાહરણ,
કુંવરબાઇનુ મામેરું, દશમ સ્કન્ધ વગેરે…….

આભમાં ઊગેલ ચાંદલો, ને જીજાબાઇને આવ્યાં બાળ -
બાળુડાને માત હીંચોળે:
ધણણણ ડુંગરા બોલે.
શિવાજીને નીંદરું ના’વે:
માતા જીજાબાઇ ઝુલાવે.

પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ – લખમણની વાત
માતાજીને મુખ જે દીથી,
ઊડી એની ઊંઘ તે દીથી – શિવાજીને…

પોઢજો રે, મારાં બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ –
કાલે કાળાં જુદ્ધ ખેલાશે :
સૂવાટાણું ક્યાંય ન રહેશે – શિવાજીને…

ધાવજો રે, મારાં પેટ ! ધાવી લેજો ખૂબ ધ્રપીને આજ –
રહેશે નહીં, રણઘેલુડા !
ખાવા મૂઠી ધાનની વેળા – શિવાજીને…

પ્હેરી – ઓઢી લેજો પાતળાં રે ! પીળાં-લાલ-પીરોજી ચીર –
કાયા તારી લોહીમાં ન્હાશે :
ઢાંકણ તે દી ઢાલનું થાશે – શિવાજીને…

ઘૂઘરા, ધાવણી, પોપટ-લાકડી ફેરવી લેજો આજ –
તે દી તારે હાથ રહેવાની
રાતી બંબોળ ભવાની – શિવાજીને…

લાલ કંકુ કેરા ચાંદલા ને ભાલે તાણજો કેસરાઆડ્ય –
તે દી તો સિંદોરિયા થાપા
છાતી માથે ઝીલવા, બાપા ! – શિવાજીને…

આજ માતા ચોડે ચૂમીયું રે બાળા ! ઝીલજો બેવડ ગાલ –
તે દી તારાં મોઢડાં માથે
ધૂંવાધાર તોપ મંડાશે – શિવાજીને…

આજ માતાજીની ગોદમાં રે તુંને હૂંફ આવે આઠ પ્હોર –
તે દી કાળી મેઘલી રાતે
વાયુ ટાઢા મોતના વાશે – .શિવાજીને…

આજ માતા દેતી પાથરી રે કૂણાં ફૂલડાં કેરી સેજ –
તે દી તારી વીરપથારી
પાથરશે વીશભુજાળી – શિવાજીને…

આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય –
તે દી તારે શિર ઓશીકાં
મેલાશે તીર- બંધૂકા – શિવાજીને…

સૂઈ લેજે, મારા કેસરી રે ! તારી હિંદવાણ્યું જોવે વાટ –
જાગી વ્હેલો આવ, બાલુડા !
માને હાથ ભેટ બંધાવા – શિવાજીને…

જાગી વ્હેલો આવજે, વીરા !
ટીલું માના લોહીનું લેવા !
શિવાજીને નીંદરું ના’વે:
માતા જીજાબાઇ ઝુલાવે.
બાળુડાને માત હીંચોળે:
ધણણણ ડુંગરા બોલે.

-ઝવેરચંદ મેઘાણી

નામ ઃ ઝવેરચંદ કાળીદાસ મેઘાણી
જન્મ ઃ ૧૭-૦૮-૧૮૯૭
અવસાન ઃ ૦૯-૦૩-૧૯૪૭
જન્મસ્થળ ઃ ચોટીલા
અભ્યાસ ઃ બી.એ
કાવ્યગ્રંથ ઃ યુગવંદના,વેણીનાં ફુલ, કિલ્લોલ, એકતારો, રવીન્દ્ર વીણા, બાપુના પારણા

દરિયો ડોલે રે માઝમ રાતનો, હે….ઝૂલે જાણે પારણે મારો વીર રે,
મધરાતે માતા રોતા વીરાની દોરી તાણતી.

છલકે મોજા રે છોળો મારતા, હે…ખૂંદે જાણે ખોળલા મારો વીર રે
મધરાતે માતા રોતા વીરાની દોરી તાણતી.

આભમાંથી ચાંદો રેલે ચાંદની, હે…પાથરે જાણે વીરાના ઓછાડ રે
મધરાતે માતા રોતા વીરાની દોરી તાણતી.

ઝબકે ઝબકે રે ઝીણી વીજળી, હે….ઝબકે જાણે સોણલે મારો વીર રે
મધરાતે માતા રોતા વીરાની દોરી તાણતી.

દરિયો ગાજે રે માઝમ રાતનો, હે….માવડી જાણે વીરને હાલા ગાય રે
મધરાતે માતા રોતા વીરાની દોરી તાણતી.

- ઝવેરચંદ મેઘાણી

નામ ઃ ઝવેરચંદ કાળીદાસ મેઘાણી
જન્મ ઃ ૧૭-૦૮-૧૮૯૭
અવસાન ઃ ૦૯-૦૩-૧૯૪૭
જન્મસ્થળ ઃ ચોટીલા
અભ્યાસ ઃ બી.એ
કાવ્યગ્રંથ ઃ યુગવંદના,વેણીનાં ફુલ, કિલ્લોલ, એકતારો, રવીન્દ્ર વીણા, બાપુના પારણા

સુંઘે છે શીશ
મારું મા : સુભાગ્ય કે
નથી દેખતી !
*
માતાના સ્તને
અજાણ દુષ્કાળથી
બાલ કનૈયો
*
વઢકળી યે
લાગ મા કેવી વ્હાલી
વઘાર વેળા !
*
પારણે શિશુ,
શરદચંદ્ર : ગુંથે
ઝબલુ માતા
*
બેબી ના ફ્રોકે
પતંગિયુ : ઝુલતું
માની કીકીમાં
*
ખેંચતું માને
બંધ ઢીંગલીઘરે
રડે બાળક
*
“આયવો ભાઇ !”
વ્રૂધ્દ્રત્વ ખરી પડ્યું,
કોળ્યું કૈશોર્ય !
*
ઝીણાભાઈ રતનજી દેસાઈ ‘સ્નેહરશ્મિ’

નામ ઃ ઝીણાભાઇ રતનજી દેસાઇ -’સ્નેહરશ્મિ’-
જન્મ ઃ ૧૬-૦૪-૧૯૦૩
અવસાન ઃ ૦૬-૦૧-૧૯૯૧
જન્મસ્થળ ઃ ચીખલી( જિ.વલસાડ )
અભ્યાસ ઃ સ્નાતક
કાવ્યગ્રંથ ઃ અર્ધ્ય, પનઘટ, અતીતની પાંખમાં, ક્ષિતિજે ત્યાં લંબાવ્યો હાથ, નિજલીલા તરાપો, ઉજણી વગેરે…………….

મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ,
જગથી જૂદેરી એની જાત રે … જનનીની

અમીની ભરેલ એની આંખડી રે લોલ,
વ્હાલનાં ભરેલાં એના વેણ રે … જનનીની

હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,
હૈયું હેમંત કેરી હેલ રે … જનનીની

દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ,
શશીએ સિંચેલ એની સોડ્ય રે … જનનીની

જગનો આધાર એની આંગળી રે લોલ,
કાળજામાં કૈંક ભર્યા કોડ રે … જનનીની

ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ,
પળના બાંધેલ એના પ્રાણ રે … જનનીની

મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,
લેતા ખૂટે ન એની લહાણ રે … જનનીની

ધરતી માતા એ હશે ધ્રૂજતી રે લોલ,
અચળા અચૂક એક માય રે … જનનીની

ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ,
સરખો એ પ્રેમનો પ્રવાહ રે … જનનીની

વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,
માડીનો મેઘ બારે માસ રે … જનનીની

ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ,
એનો નહિ આથમે ઉજાસ રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

દામોદર બોટાદકર……………..

નામ ઃ દામોદર ખુશાલદાસ બોટાદકર
જન્મ ઃ ૨૭-૧૧-૧૮૭૦
અવસાન ઃ ૦૭-૦૯-૧૯૨૪
જન્મસ્થળ ઃ બોટાદ
અભ્યાસ ઃ ૬ (છ) ધોરણ
કાવ્યગ્રંથ ઃકલ્લોલિની, સ્ત્રોતસ્વિની, નિર્ઝરિણીલ, રાસતરંગિણી, શૈવલિની

ગિયા માસ ગળ્યે, તો હાડે હેવાયા કરે;
(ઍ) માતા જાય મર્યે, (ઍને) કેમૅ વિસરિઍ, કાગડા ?

ચિન્ધે ન છોરુને, લથડિય અગડા લિયે;
મરતા લગ માને , કેમ વિસરિયે , કાગડા ?

પન્ડમા પિડ ઘણિ, સાતિને હસતિ સદા;
માયા માત તણિ, કેમ વિસરિયે , કાગડા ?

કુટુમ્બ ક્લેશ અપાર, કિધા ન પુતરને કદિ;
ઍવા ઝેર જીરવણહાર, કેમ વીસરીઍ, કાગડા ?

જમ જડાફા ખાય , મોતે નળ્ય માંડિયુ;
(તોય) છોરુની ચિંતા થાય, (ઍને) કેમ વીસરીઍ, કાગડા ?

ધમણે શ્વાસ ધમાય, ઘટડામા ઘોડા ફરે;
(તોય) છોરુની ચિંતા થાય, (ઍને) કેમ વીસરીઍ, કાગડા ?

તો અંગ અઘળા તાવ, પૂતર તળ પૂછે નઇં;
(પણ) ભળ્યો ન બીજો ભાવ, (ઍને) કેમ વીસરીઍ, કાગડા ?

કિધા ન જીભે કેણ, નાડ્યું ઝોંટાણા લગી;
ન કર્યા દુઃખડા નેણ, (ઍને) કેમ વીસરીઍ, કાગડા ?

આખર ઍક જતાં, ક્રોડ્યું ન આખર કામના;
મોઢે બોલુ ‘મા’, કોઠાને ટાઢક, કાગડા!

મોઢે બોલુ ‘માં’, સાચેંય નાનપ સાંભરે;
(ત્યારે) મોટપની મજા, મને કડવી લાગે, કાગડા !

અડી ન જગની આગ, તારે ખોળે ખેલતાં;
તેનો કીધેલ ત્યાગ, (તેથી) કાળજ સળગે,કાગડા !

ભગવાન ને ભજતા, મહેશ્વર આવિ મળે;
(પણ) મળે ન એક જ મા, કોઇ ઉપાયે કાગડા !

મળી ન હરને મા, (તેથી) મહેશ્વર જો પશુ થયા;
પણ જાયો ઇ જસોદા, (પછી) કાન કેવાણો, કાગડા !

મળિયલ એને મા, સૌ રાઘવ કરસનને રહે;
જગ કોઇ જાણે ના, કાસપ મચ્છને, કાગડા !

જનની કેરુ જોર, રાઘવને રે’તુ સદા;
(તેથી) માને ન કરી મોર, કરિયો પિતાને, કાગડા !

ઘુમી ન ઘુઘવતાં, ખોળે ધાવીને ખેલતા;
(એ) ખોળે ખોજીતાં,ક્યાંયે ન મળે, કાગડા !

મોટાં કરીને મા, ખોળેથી ખસતાં કર્યા;
ખોળે ખેલવવા, (પાછા) કરને બાળક, કાગડા !

અમ્રુત ભરિયલ આપ, તુંકારા જનની તણા;
બીજા ભણતા બાપ, કોરા આખર, કાગડા !

સ્વારથ જગ સારો પધારો ભણશે પ્રથી;
(પણ) તરો તુંકારો, ક્યાંય ન મળે, કાગડા !

માતા તો મનમાં ઊણપ કદી ન આણજે
(મારે) ઊભી અંતરમા, (તારી) કાયમ છબી, કાગડા !

માડી સું મનમાંય કોઈ કૂડો સંકલપ કરે,
(એથી) દોઝખ પણ દુભાય, કળ ન સંઘરે, કાગડા !

જનની સામે જોઇ, કપુત તુંકારા કરે,
જ્યાં જ્યાં જનમે હોય કડવું જીવન, કાગડા !

માતા કેરા માન, હરિયા તન હેતે કરી,
ધોડે આગળ ધાન, (પણ) કદી ન આંબે , કાગડા !

માના હરિયા માન, કૌરવ કચેરી મધે,
રહી ન રસણા કાન, કહેવા સાંભળવા કાગડા !

જે કર માડી ઝીલીઆ, જે કર પોષ્યા જોય,
તેડી લેજે તોય, એ કરથ છેવટ, કાગડા !
કવિ શ્રી દુલા ભાયા કાગ
કાગ બાપુ

નામ ઃ દુલા ભાયા કાગ -”કાગ બાપુ”-
જન્મ ઃ ૨૫-૧૧-૧૯૦૨
અવસાન ઃ ૨૨-૦૨-૧૯૭૭
જન્મસ્થળ ઃ મજાદર ( તા.મહુવા, જિ.ભાવનગર )
અભ્યાસ ઃ પાંચ ધોરણ
કાવ્યગ્રંથ ઃ કાગવાણી ઃ ભાગ ૧,૨,૩,૪,૫,૬,૭

Next Page »