સાવજ ગરજે !
વનરાવનનો રાજા ગરજે
ગીરકાંઠાનો કેસરી ગરજે
ઐરાવતકુળનો અરિ ગરજે
કડ્યપાતળિયો જોધ્ધો ગરજે
મોં ફાડી માતેલો ગરજે
જાણે કો જોગંદર ગરજે
નાનો એવો સમદર ગરજે !
ક્યાં ક્યાં ગરજે?
બાવળનાં જાળાંમાં ગરજે
ડુંગરના ગાળામાં ગરજે
કણબીના ખેતરમાં ગરજે
ગામ તણા પાદરમાં ગરજે
નદીઓની ભેખડમાં ગરજે
ગિરિઓની ગોહરમાં ગરજે
ઊગમણો આથમણો ગરજે
ઓરો ને આઘેરો ગરજે
થર થર કાંપે !
વાડામાંવાછડલાં કાંપે
કૂબામાં બાળકડાં કાંપે
મધરાતે પંખીડાં કાંપે
ઝાડ તણાં પાંદડલાં કાંપે
પહાડોના પથ્થર પણ કાંપે
સરિતાઓનાં જળ પણ કાંપે
સૂતાં ને જાગંતાં કાંપે
જડ ને ચેતન સૌએ કાંપે
આંખ ઝબૂકે !
કેવી એની આંખ ઝબૂકે !
વાદળમાંથી વીજ ઝબૂકે
જોટે ઊગી બીજ ઝબૂકે
જાણે બે આંગાર ઝબૂકે
હીરાના શણગાર ઝબૂકે
જોગંદરની ઝાળ ઝબૂકે
વીર તણી ઝંઝાળ ઝબૂકે
ટમટમતી બે જ્યોત ઝબૂકે
સામે ઊભું મોત ઝબૂકે
જડબાં ફાડે !
ડુંગર જાણે ડાચાં ફાડે !
જોગી જાણે ગુફા ઉઘાડે !
જમરાજાનું દ્વાર ઉઘાડે !
પૃથ્વીનું પાતાળ ઉઘાડે !
બરછી સરખા દાંત બતાવે
લસ !લસ ! કરતી જીભ ઝુલાવે.
બહાદુર ઊઠે !
બડકંદાર બિરાદર ઊઠે
ફરસી લેતો ચારણ ઊઠે
ખડ્ગ ખેંચતો આહીર ઊઠે
બરછી ભાલે કાઠી ઊઠે
ઘર ઘરમાંથી માટી ઊઠે
ગોબો હાથ રબારી ઊઠે
સોટો લઇ ઘરનારી ઊઠે
ગાય તણા રખવાળો ઊઠે
દૂધમલા ગોવાળો ઊઠે
મૂછે વળ દેનારા ઊઠે
ખોંખારો ખાનારા ઊઠે
માનું દૂધ પીનારા ઊઠે
જાણે આભ મિનારા ઊઠે
ઊભો રે’જે !
ત્રાડ પડી કે ઊભો રે’જે !
ગીરના કુત્તા ઊભો રે’જે !
કાયર દુત્તા ઊભો રે’જે !
પેટભરા ! તું ઊભો રે’જે !
ભૂખમરા !તું ઊભો રે’જે !
ચોર-લૂંટારા ઊભો રે’જે
ગા-ગોઝારા ઊભો રે’જે !
ચારણ-કન્યા !
ચૌદ વરસની ચારણ-કન્યા
ચૂંદડિયાળી ચારણ-કન્યા
શ્વેતસુંવાળી ચારણ-કન્યા
બાળી ભોળી ચારણ-કન્યા
લાલ હીંગોળી ચારણ-કન્યા
ઝાડ ચડંતી ચારણ-કન્યા
પહાડ ઘુમંતી ચારણ-કન્યા
જોબનવંતી ચારણ-કન્યા
આગ-ઝરંતી ચારણ-કન્યા
નેસ-નિવાસી ચારણ-કન્યા
જગદમ્બા-શી ચારણ-કન્યા
ડાંગ ઊઠાવે ચારણ-કન્યા
ત્રાડ ગજાવે ચારણ-કન્યા
હાથ હિલોળી ચારણ-કન્યા
પાછળ દોડી ચારણ-કન્યા
ભયથી ભાગ્યો !
સિંહણ, તારો ભડવીર ભાગ્યો
રણમેલીને કાયર ભાગ્યો
ડુંગરનો રમનારો ભાગ્યો
હાથીનો હણનારો ભાગ્યો
જોગીનાથ જટાળો ભાગ્યો
મોટો વીર મુછાળો ભાગ્યો
નર થઇ તું નારીથી ભાગ્યો
નાનકડી છોડીથી ભાગ્યો !
–ઝવેરચંદ મેઘાણી
May 20, 2008 at 6:33 pm
આહીરથી ગોરાં એટલા કોઢીઆ!પણ આ ચારણકન્યાની વાત જ નોખી
જંગલી પ્રાણીને હાથે મરાઈ જ્તી દિકરીઓની વાત વાંચી ગમગીન થઈ જવાય્.અહી તો વાંચતા આનંદ
May 21, 2008 at 9:27 am
મેઘાણીભાઈના સાહિત્ય વિષે બીજું તો શું કહેવાનું હોય… પણ આ કાવ્ય વાંચીને જૂની સ્મૃતિઓ સળવળી ઊઠી. અને મેટ્રીક્માં હતા ત્યારે આ કવિતા ભણવામાં આવતી.