અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્
પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવતી ખત,
ગગો એનો મુંબઇ ગામે ;
ગીગુભાઇ નાગજી નામે.
લખ્ય કે માડી ! પાંચ વરસમાં પ્હોંચી નથી એક પાઇ
કાગળની એક ચબરખી પણ, મને મળી નથી ભાઇ !
સમાચાર સાંભળી તારા ;
રોવું મારે કેટલા દા’ડા ?
ભાણાનો ભાણિયો લખે છે કે, ગગુ રોજ મને ભેળો થાય
દન આખો જાય દા’ડિયું ખેંચવા રાતે હોટલમાં ખાય,
નિત નવાં લૂગડાં પે’રે
પાણી જેમ પઇસા વેરે.
હોટલનું ઝાઝું ખાઇશ મા, રાખજે ખરચીખૂટનું માપ
દવાદારૂના દોકડા આપણે કાઢશું ક્યાંથી બાપ !
કાયા તારી રાખજે રૂડી ;
ગરીબની ઇ જ છે મૂડી.
ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું, કૂબામાં કર્યો છે વાસ
જારનો રોટલો જડે નહિ તે દી પીઉં છું એકલી છાશ,
તારે પકવાનનું ભાણું
મારે નિત જારનું ખાણું.
દેખતી તે દી દળણાં, પાણી કરતી ઠામેઠામ
આંખ વિનાનાં આંધળાંને હવે કોઇ ન આપે કામ,
તારે ગામ વીજળીદીવા,
મારે આંહીં અંધારાં પીવાં.
લિખિતંગ તારી આંધળી માના વાંચજે ઝાઝા જુહાર
એકે રહ્યું નથી અંગનું ઢાંકણ, ખૂટી છે કોઠીએ જાર.
હવે નથી જીવવા આરો,
આવ્યો ભીખ માગવા વારો.
-કવિશ્રી ઇન્દુલાલ ગાંધી
નામ ઃ ઈન્દુલાલ ફુલચંદ ગાંધી
જન્મ ઃ ૦૮-૧૨-૧૯૧૧
અવસાન ઃ ૧૦-૦૧-૧૯૮૬
જન્મસ્થળ ઃ મકનસર (તા.મોરબી)
અભ્યાસ ઃ ઇન્ટર આર્ટસ
કાવ્યગ્રંથ ઃ તેજરેખા, જીવનના જળ, ખંડિત મૂર્તિઓ, શતદલ, ગોરસી, ઇંધણા, ધનુરદોરી, ઉન્મેષ વગેરે…………
November 11, 2007 at 2:28 pm
કવિશ્રી ઇન્દુલાલ ગાંધીની એક ઉત્તમ રચના છે, મને લાગે છે કે આ રચના ગુજરાતી બ્લોગ્સ પર અનેક વખત રજુ થઈ ચુકી છે.. પણ દરેક વખતે આંખ ભીની કરી જાય છે
February 12, 2008 at 6:57 pm
ma ni mamta ane putra ni bedarkari nu adbhut varnan aathi vishesh shu hoy dhanya che kavi ne.